ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગુજરાતમાં હૃદય સાથે શ્વાસની બીમારીના દર્દીઓમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. છેલ્લા 45 દિવસમાં શ્વાસની સમસ્યાના 17,476 જ્યારે હૃદયની સમસ્યાના 12,127 ઈમરજન્સી કેસ નોંધાયા છે. ગયા વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યાના દર્દીમાં 18.89% જ્યારે શ્વાસની સમસ્યાના દર્દીમાં 16.30% નો વધારો થયો છે.
ગુજરાતમાં ગયા વર્ષે 1 જાન્થીયુઆરી 15 ફેબ્રુઆરી દરમિયાન હૃદયની ઈમરજન્સીના 10,200 કેસ નોંધાયા હતા. જેની સરખામણીએ આ વર્ષે આ જ સમયગાળામાં 12,127 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, હાલ પ્રતિ કલાકે સરેરાશ 11 જ્યારે પ્રતિ દિવસે સરેરાશ 270 દર્દીને હૃદયની સમસ્યા થતાં ‘108’ દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા છે. ગયા વર્ષની સરખામણીએ હૃદયના દર્દીઓમાં વધારો થયો છે.
તબીબો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને 40થી ઓછી વયના યુવાનોમાં હૃદયના દર્દીઓ વઘ્યા છે. તાજેતરમાં જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ યુવાનોમાં અચાનક હૃદય બંધ પડવાના કિસ્સા સામે આવ્યા હતા.
અમદાવાદના સિવિલ પરિસરમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલમાં અત્યારસુધી ઈન્ડોરમાં 34,155 જ્યારે આઉટડોરમાં 4,977 કેસ નોંધાઇ ચૂક્યા છે. આમ, સિવિલની હાર્ટ હોસ્પિટલમાં દરરોજ સરેરાશ 94 લોકોને હૃદયની સમસ્યાને કારણે દાખલ કરવા પડે છે. આ સિવાય દરરોજ સરેરાશ 640 જેટલા દર્દીઓ ઓપીડીમાં નોંધાય છે.
બીજી તરફ શિયાળાને પગલે શ્વાસની સમસ્યાના દર્દીમાં વધારો થયો છે. ગયા વર્ષે શ્વાસની સમસ્યાના 15,027 દર્દી હતા અને તે હવે 16.30% વધીને 17,476 દર્દી થયા છે. આ વર્ષના પ્રારંભે કડકડતી ઠંડીને પગલે શ્વાસની ઈમરજન્સી ત્યારે વધારે જોવા મળી હતી. જોકે, હવે ઠંડીની વિદાય સાથે જ શ્વાસની સમસ્યાના દર્દીમાં ઘટાડો થાય તેમ નિષ્ણાતોનું માનવું છે.