ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ લખપત તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી થશે. 29 માર્ચે રાત્રે 9 વાગ્યે ઘટસ્થાપન વિધિ થશે. 30 માર્ચે ચૈત્ર સુદ એકમથી નવરાત્રી પર્વનો આરંભ થશે. 2 એપ્રિલે સવારે 9 વાગ્યે જનોઈ ધારણ વિધિ યોજાશે. 4 એપ્રિલે રાત્રે 9:30 વાગ્યે ગાદી પૂજન, 9:45 વાગ્યે જગદંબા પૂજન અને 10 વાગ્યે હોમ હવન શરૂ થશે. મઢ જાગીર અધ્યક્ષના હસ્તે 1:30 વાગ્યે શ્રીફળ હોમ સાથે પર્વનું સમાપન થશે.
ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબા યોજાશે. દરરોજ રાત્રે આરતી, પૂજન અને રાસ-ગરબા રમાશે. અશ્વિન નવરાત્રીની જેમ અહીં ચૈત્રી નવરાત્રીની પણ પરંપરાગત ઉજવણી થાય છે. મોટી સંખ્યામાં માઇભક્તો દર્શનાર્થે આવે છે. મંદિર પરિસરમાં મીની મેળાનો માહોલ જોવા મળે છે.