ટ્રાફિક ચલણના નામે થઈ રહી છે મોટી ઠગાઈ, જાણો કેવી રીતે બચશો!

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ઓનલાઈન છેતરપિંડી કરનારાઓ સતત નવી-જૂની પદ્ધતિઓ અપનાવીને સક્રિય રહે છે. બે વર્ષ પહેલાં ઘણા લોકોને ટ્રાફિક નિયમભંગની નોટિસ મોકલીને દંડ ભરવા માટે લિંક મોકલવામાં આવતી હતી. છેલ્લા થોડા સમયથી ફરી એકવાર આવી જ નોટિસ સાથે લિંક મોકલીને છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ લિંક્સથી ટ્રાફિક પોલીસ કે વાહન પરિવહન વિભાગ જેવી જ નકલી વેબસાઈટ કે એપ્લિકેશન ખુલે છે, જેમાં બેંક ખાતા અને તેની સંબંધિત વિગતો દાખલ કરતા જ બેંક ખાતું હેક કરીને પૈસા કાઢી લેવામાં આવે છે. જો તમે નિયમ તોડ્યો ન હોય તો પણ ઈ-ચલણ નોટિસ મોકલીને ઠગાઈ કરતા સાયબર ઠગો સામે સાવધાન રહેવા માટે URL (વેબસાઈટ એડ્રેસ) ને ધ્યાનપૂર્વક સમજવું અને તપાસવું જરૂરી છે.


કેવી રીતે થાય છે આ ઠગાઈ?

ઈ-ચલણ કૌભાંડ હેઠળ, સૌ પ્રથમ તમને ટેક્સ્ટ મેસેજ કે ઈ-મેઈલ દ્વારા જાણ કરવામાં આવે છે કે તમે ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું છે અને તમારે દંડ ભરવો પડશે. પોલીસ જેવો લોગો ધરાવતા આ મેસેજમાં આપેલી લિંક પર દંડની રકમ ભરવા માટે તાકીદ કરવામાં આવે છે. આ લિંક તમને આરટીઓ કે ટ્રાફિક પોલીસની ઈ-પરિવહન વેબસાઈટ જેવી જ લાગતી નકલી એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે કહે છે.

Advertisements

શું શું માંગે છે ઠગાઈ કરતી એપ્લિકેશન્સ?

એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કર્યા પછી, તેમાં તમારી જન્મતારીખ, પાન કાર્ડ, આધાર, ડેબિટ-ક્રેડિટ કાર્ડ, બેંક એકાઉન્ટ વગેરે વિગતો માંગવામાં આવે છે. આ ઉપરાંત, OTP, CVV અને MPIN મેળવીને પણ છેતરપિંડી કરવામાં આવે છે.


ઠગાઈથી બચવા શું કરવું?

  • URL ધ્યાનથી તપાસો: જ્યારે આવી કોઈ લિંક આવે, ત્યારે તેમાં દર્શાવેલા સરકારી વેબસાઈટના સ્પેલિંગને ધ્યાનપૂર્વક તપાસો. ઘણીવાર નાના ફેરફારો દ્વારા ઠગાઈનો મેસેજ હોવાનું જાણી શકાય છે.
  • ‘https://’ તપાસો: કોઈપણ સરકારી વેબસાઈટ ખોલતી વખતે ‘https://’ લખાણ જોવા મળે છે. આ સિક્યોર્ડ વેબસાઈટ દર્શાવે છે અને છેતરપિંડીની સંભાવના ઘટાડે છે. તેથી, ઈ-ચલણ કે અન્ય કોઈપણ પ્રકારની સરકારી વેબસાઈટ કે એપ્લિકેશનના નામે ઠગાઈનો પ્રયાસ થાય ત્યારે https:// લખાણ છે કે નહીં તેની ખાતરી કરવી જરૂરી છે.
  • બેંક અને પોલીસની સલાહ: પોલીસ ઉપરાંત બેંકો પણ નાગરિકોને સતર્ક રહેવા તાકીદ કરે છે કે આવી લિંક પર ક્લિક કરવાથી બેંક એકાઉન્ટ હેક કરીને પૈસા ચોરી લેવાય તેવી શક્યતા વધી જાય છે.
  • કેન્દ્ર સરકારની એડવાઈઝરી: કેન્દ્ર સરકારે પણ સત્તાવાર એડવાઈઝરી જાહેર કરી છે કે ટ્રાફિક ઓથોરિટી તરફથી આવ્યા હોય તેવા નકલી મેસેજ કે ઈ-મેઈલ સાથે મોકલાતી લિંકથી ટ્રાફિક ઓથોરિટી જેવી જ બનાવટી વેબસાઈટ ખુલે છે અથવા સાયબર ઠગો દ્વારા બનાવેલી ટ્રાફિક ઓથોરિટી જેવી બનાવટી મોબાઈલ એપ્લિકેશન ખુલે છે. આવી બનાવટી એપ્લિકેશન કે વેબસાઈટથી ઈ-ચલણના નામે તમારી બેંકની વિગતો જાણીને બેંક એકાઉન્ટમાંથી પૈસા કાઢી લેવામાં આવે છે.

સાયબર સુરક્ષા વિભાગના સૂત્રો જણાવે છે કે આવી નકલી વેબસાઈટ કે એપ્લિકેશન પર સતત કાર્યવાહી થતી રહે છે, પરંતુ ઠગો સમયાંતરે વાહન નંબરની વિગતો મેળવીને ફરી સક્રિય બને છે. આથી, પ્રજાજનોની સતર્કતા અત્યંત જરૂરી છે.

Advertisements

યાદ રાખો: જો તમને કોઈ શંકાસ્પદ મેસેજ કે લિંક મળે, તો તેના પર ક્લિક કરતા પહેલાં હંમેશા સત્તાવાર સ્ત્રોત પરથી માહિતીની પુષ્ટિ કરો. તમારા વાહનનું ઈ-ચલણ તપાસવા માટે સત્તાવાર ‘પરિવહન’ વેબસાઇટનો ઉપયોગ કરો.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment