ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા એક કૂટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. બી-ડિવિઝન પોલીસે કચ્છ આર્કેડની સિલ્વર બિલ્ડીંગમાં આવેલા બ્લેક ડાયમંડ રિલેક્સ સ્પા પર દરોડો પાડી દેહ વ્યાપાર ચલાવતા સંચાલકની ધરપકડ કરી છે.
પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સૂચના મુજબ, સ્પા સેન્ટરોની આડમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન, પોલીસને બાતમી મળી હતી કે ગાંધીધામ હાઇવે પર આવેલા કચ્છ આર્કેડની સિલ્વર બિલ્ડીંગમાં રવિભાઈ રાણાભાઈ મહેશ્વરી નામનો વ્યક્તિ બ્લેક ડાયમંડ રિલેક્સ સ્પાની આડમાં બહારના રાજ્યોમાંથી યુવતીઓને બોલાવીને દેહ વ્યાપારનો ધંધો ચલાવી રહ્યો છે.
આ બાતમીના આધારે, શી ટીમને સાથે રાખીને પોલીસે સ્પા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્પાની અંદરથી ચાર મહિલાઓ, સંચાલક અને એક ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે તાત્કાલિક સ્પાના સંચાલક રવિભાઈ મહેશ્વરી અને તેના સાથી સંચાલક મનીષ બળદેવ સાધુ વિરુદ્ધ ધ ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસે દેહ વ્યાપારના ધંધામાંથી મહિલાઓને મુક્ત કરવાની કાર્યવાહી પણ કરી હતી.
નોંધનીય છે કે ગાંધીધામ વિસ્તારમાં ભૂતકાળમાં પણ સ્પા મસાજ સેન્ટરોની આડમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અનેકવાર સામે આવી ચૂકી છે. આ કિસ્સા બાદ કડક કાર્યવાહીની માગ ફરી એકવાર ઊઠી છે.