ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં કુલ 61 મટકીઓ ફોડવામાં આવી. આ ઉત્સવ અંતર્ગત એક વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી, જે લીલાશાહ શિવ મંદિરથી શરૂ થઈને ગાંધીમાર્કેટ, ચાવલા ચોક થઈ ઝંડા ચોક સુધી પહોંચી હતી.

આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પટેલ સમાજની દીકરીઓ દ્વારા કરવામાં આવેલું તલવારબાજીનું શક્તિ પ્રદર્શન હતું. આ ઉપરાંત, બહેનોના હાથે પણ મટકી ફોડવામાં આવી હતી. શોભાયાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત વિવિધ સમાજો દ્વારા કરવામાં આવ્યું હતું. આદિવાસી ભીલ સમાજે રથ અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું, જ્યારે ઝંડા ચોક પાસે ગુરુનાનક ગુરુદ્વારાના શીખ સમુદાયે શરબતનું વિતરણ કર્યું. આંજણા ચૌધરી સમાજ અને ભારત વિકાસ પરિષદ દ્વારા પણ સ્વાગત અને પાણી સેવા આપવામાં આવી હતી. કર્તવ્ય ગ્રુપ અને ઝુલેલાલ ગ્રુપ દ્વારા પણ પાણી અને ઠંડા પીણાંનું વિતરણ કરવામાં આવ્યું.

શોભાયાત્રા દરમિયાન વિવિધ સમાજો અને સંસ્થાઓના પ્રતિનિધિઓએ મટકી ફોડ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જેમાં આદિવાસી ભીલ સમાજ, આંજણા ચૌધરી સમાજ, દેવીપૂજક સમાજ, મહેશ્વરી સમાજ, અગ્રવાલ સમાજ, મારવાડી યુવા મંચ, સિંધી સમાજ, લારી-ગલ્લા એસોસિએશન, વાલ્મિકી સમાજ, તેમજ પોલીસ સ્ટાફ અને નેત્રમ પોલીસ સ્ટાફના સભ્યોનો સમાવેશ થાય છે. અંતમાં, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓએ તમામ મટકીઓ ફોડી હતી.

આ કાર્યક્રમમાં 500થી વધુ લોકો જોડાયા હતા અને સૌએ હર્ષોલ્લાસ સાથે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ઉજવ્યો હતો. પોલીસ, ટ્રાફિક પોલીસ અને હિન્દુ સમાજની એકતાથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.


આ ઉત્સવના મુખ્ય આયોજકો વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ શ્રી હરેશભાઈ રમવાણી અને શ્રી કાનજીભાઈ ચૌધરી હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી અશોકભાઈ કેલા અને શ્રી શંકરભાઈ ઢીલાએ કર્યું હતું. આ ભવ્ય ઉજવણીએ ગાંધીધામમાં એકતા અને ઉલ્લાસનો માહોલ ઊભો કર્યો હતો.

