ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામમાં પહેલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા પાકિસ્તાનમાં આતંકી અડ્ડાઓ પર કરાયેલી જવાબી કાર્યવાહીને બિરદાવવા અને સેનાના મનોબળને વધારવા માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાથી સમગ્ર ગાંધીધામ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.
ઝંડાચોક ખાતે સમાપન સમારોહમાં સંબોધન કરતા સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, “આપણા તિરંગાની જેમ ભારતીય સેનાના જવાનો પણ દેશની આન, બાન અને શાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ પાકિસ્તાનમાં આતંકવાદના ઠેકાણા ધ્વસ્ત કરીને સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે.”

ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું કે, “આતંકવાદી હુમલાનો ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં ઘૂસીને જડબાતોડ જવાબ આપ્યો છે. દેશનો દરેક નાગરિક સેનાના બહાદુર અને પરાક્રમી જવાનોને કારણે ગર્વ અને સુરક્ષિત અનુભવે છે.”
ગાંધીધામ માર્કેટથી શરૂ થયેલી આ યાત્રામાં મહાનુભાવોએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. યાત્રામાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર, વિવિધ મંત્રીઓ, પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, હોમગાર્ડ અને સુરક્ષા દળના જવાનો, શાળાના બાળકો અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા.

325 મીટર લાંબા તિરંગા સાથે નીકળેલી આ દેશભક્તિપૂર્ણ યાત્રાનું ઠેર-ઠેર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ યાત્રામાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ મહેશભાઈ પુંજ, મંત્રી મહેશ તીર્થાણી, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ, ભારત વિકાસ પરિષદના સભ્યો અને અન્ય અગ્રણીઓ પણ ઉત્સાહભેર જોડાયા હતા. યાત્રાનું સંચાલન મોમાયાભા ગઢવીએ કર્યું હતું.