ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભચાઉ તાલુકાના લાકડીયા વિસ્તારમાં એલસીબી ટીમે મોટું ઓપરેશન ચલાવી વિદેશી દારૂનો મોટો જથ્થો કબજે કર્યો છે. એલસીબી ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમાની આગેવાની હેઠળની ટીમે લાકડીયા પોલીસ સ્ટેશનની સીમામાં પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી હાથ ધરી હતી.
ખાનગી બાતમીના આધારે પોલીસે જાણવા મળ્યું કે પ્રોહિબિશન હેઠળના બુટલેગરો રામજી જીવા વરીયા અને જુસબ સુલેમાન ગગડાએ ઘરાણા સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો છે. ટીમે સ્થળ પર તપાસ કરતાં ત્યાંથી 828 વિદેશી દારૂની બોટલો અને 84 બિયર ટીન મળી આવ્યા હતા.
આ રેડમાં કુલ રૂ. 5,15,752નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં દારૂની બોટલો રૂ. 4,87,008, બિયર ટીન રૂ. 8,744 અને એક મોબાઇલ ફોન રૂ. 10,000ની કિંમતનો છે. પોલીસે આ કેસમાં એક સગીર આરોપીની ધરપકડ કરી છે, જ્યારે રામજી વરીયા અને જુસબ ગગડા હાલ પણ ફરાર છે.
પોલીસે લાકડીયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ સમગ્ર કામગીરીમાં એલસીબી ઇન્સ્પેક્ટર એન.એન. ચુડાસમા, પીએસઆઇ ડી.જી. પટેલ તથા એલસીબીનો સ્ટાફ જોડાયો હતો.