ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુર શહેરના સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ પાસે આજે એક મોટી દુર્ઘટના થતા થતા ટળી ગઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. શાળા છૂટવાના માત્ર પાંચ મિનિટ પહેલાં જ એકાએક ત્રણ વીજળીના થાંભલા ધરાશાયી થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ત્યાં પાર્ક કરવામાં આવેલા કેટલાક વાહનોને ભારે નુકશાન પહોંચ્યું છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, સૌ પ્રથમ એક વૃક્ષ ધડામ કરતું નીચે પડ્યું હતું, જેના કારણે તેની સાથે જોડાયેલા વીજ થાંભલા એક પછી એક ધરાશાયી થયા હતા. આ ઘટના એટલી ઝડપથી બની કે આસપાસના લોકોને કઈ સમજાય તે પહેલાં જ થાંભલા નીચે પડ્યા હતા. જોકે, સદનસીબે તે સમયે કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થઈ રહ્યું ન હતું, જેના કારણે મોટી જાનહાનિ ટળી ગઈ.
ઘટનાની જાણ થતાં જ વીજ કંપનીના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે તરત જ વીજ પુરવઠો બંધ કરી દીધો હતો અને વાહનોને થયેલા નુકશાનનું આકલન શરૂ કર્યું હતું. હાલમાં, તૂટી ગયેલા થાંભલાઓને હટાવીને નવા થાંભલાઓ નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેથી વિસ્તારમાં વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરી શકાય. આ ઘટનાએ શહેરના જૂના અને નબળા વીજ માળખાની જાળવણી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.