ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકા દ્વારા ગાંધીધામમાં શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં ભૂદેવો અને સમાજના લોકો જોડાયા હતા.
સર્વે ભૂદેવો આ વેળાએ સફેદ પહેરવેશમાં સજ્જ જોવા મળ્યા હતા, જે શાંતિ અને સૌહાર્દનો સંદેશ આપી રહ્યો હતો. યાત્રા દરમિયાન ભગવાન પરશુરામના ભજનોનું ગાન કરવામાં આવ્યું હતું અને શાંતિ પાઠનું પણ આયોજન કરાયું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને શાંતિપૂર્ણ બન્યું હતું.

આ શાંતિ યાત્રામાં તાજેતરમાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનારા નિર્દોષ લોકોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ મૌન પાળીને મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
