ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં રહેતા એક યુવાનને ડ્રીમ ઈલેવન સ્પર્ધામાં જીત અપાવવાની લાલચ આપી ઠગબાજ ટોળકીએ ₹1,05,600 પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મેઘપર કુંભારડીના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેતા અને ગ્રીનલેન્ડ સોસાયટીમાં ધારા પ્રોવિઝન સ્ટોર ચલાવતા ભાવિક રમણીકલાલ ચૌહાણ ગત તારીખ 11 એપ્રિલે પોતાની દુકાને હતા. તે સમયે તેમને એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. કોલ કરનારે ભાવિકને પૂછ્યું કે શું તેઓ ડ્રીમ ઈલેવન પર ટીમો લગાવે છે. ભાવિકે હા પાડતા, ઠગબાજે તેમને આ સ્પર્ધામાં જીતવા માટે સેટિંગ કરાવી આપવાની ઓફર કરી, પરંતુ તેની ફી લાગશે તેમ જણાવ્યું. જીતવાની લાલચમાં આવી ભાવિકે ઠગબાજની વાત માની લીધી.
શરૂઆતમાં ઠગબાજે ₹2,000 માંગતા ભાવિકે ઓનલાઈન ચૂકવણી કરી. ત્યારબાદ રજિસ્ટ્રેશન, એકાઉન્ટ જનરેટ કરવા, એકાઉન્ટ ચાલુ કરવા અને ડ્રીમ ઈલેવન સ્પર્ધામાં પ્રથમ નંબરે વિનિંગ ઝોનમાં આવવા જેવા વિવિધ બહાના હેઠળ આ ઠગબાજે ભાવિક પાસેથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું.
જ્યારે ભાવિકની પોતાની મર્યાદા પૂરી થઈ ગઈ, ત્યારે તેણે પોતાની માસીના દીકરા જય પીયૂષ રાઠોડને QR કોડ મોકલ્યો, અને જય રાઠોડે પણ તેમાં ₹7,800 નાખ્યા. બાદમાં જય રાઠોડને છેતરાઈ ગયા હોવાનું ભાન થતા તેણે ભાવિકને જાણ કરી અને ઓનલાઈન ફરિયાદ નોંધાવી.
આ સમગ્ર છેતરપિંડી અને ઠગાઈના બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.