ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આમ આદમી પાર્ટીના પ્રમુખ (પૂર્વ કચ્છ) ડૉ. કાયનાત અંસારી આથાની આગેવાનીમાં આમ આદમી પાર્ટી પુર્વ કચ્છની ટીમ દ્વારા ગાંધીધામ એસ.ટી. બસ સ્ટેન્ડની મુલાકાત લેવામાં આવી હતી. ગાંધીધામ બસ સ્ટેન્ડ દયનીય સ્થિતિમાં છે. સ્થળ પર જઇને ટીમ દ્વારા લોકોએ ભોગવવી પડતી હાલાકી વિશે જાણ્યું હતું.
ગાંધીધામ બસ સ્ટેન્ડનું જૂનું બિલ્ડિંગ કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં છે, સાથે સાથે ગાંધીધામ બસ સ્ટેન્ડમાં પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો હતો. અહીં મુસાફરોને બેસવા માટે કોઇ જ વ્યવસ્થા કરવામાં આવી નથી. ચારે તરફ ગંદકી, પાણી ભરાવ અને જીવજંતુઓના કારણે મુસાફરોને ભારે તકલીફ પડે છે.
ગાંધીધામ કચ્છની આર્થિક રાજધાની હોવા છતાં, જ્યાં એમ.એલ.એ. અને એમ.પી. સતત બે વખતથી ચૂંટાઈ આવ્યા છે, ત્યાં બસ સ્ટેન્ડની હાલત સરકારની બેદરકારી દર્શાવે છે.
ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતુઁ કે – “બસ સ્ટેન્ડનો ઉપયોગ તો ગરીબ લોકો કરે છે, કારમાં ફરનારા લોકો નહીં. આ કારણે સરકાર તેને અવગણે છે. ગરીબોને સરકારી કામમાં મહત્વ નથી મળી રહ્યું આટલો ટેક્સ આપ્યા બાદ સરકાર આપણને આપે છે શું? મફત શિક્ષણ? મફત આરોગ્ય સેવા? સુરક્ષા? કંઈ નથી! આ પ્રશ્નો જનતાએ સરકારને પુછવાનો સમય આવી ગયો છે.
આ મુલાકાત સમયે આમ આદમી પાર્ટીના રાયશીભાઇ દેવરીયા, નિલેશભાઇ દાફડા અને આમ આદમી પાર્ટીના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીની ટીમએ બસ સ્ટેન્ડ પર રહેલા મુસાફરો સાથે વાતચીત કરી અને તેમની વેદના અને આક્રોશ સાંભળ્યો હતો.