ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ નિર્માણ પામતા મકાનોની સહાય માટેની અરજીઓમાં ટેકનિકલ કાર્યવાહી કરી આપવા બદલ લાંચ લેતા બે પૈકી એક કર્મચારીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યો છે. ભુજ તાલુકા પંચાયતમાં ગોઠવવામાં આવેલી સફળ ટ્રેપમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારિત) વિશાલ ભરતભાઈ જોશીના કહેવાથી ₹40,000ની લાંચ લેતા ગ્રામ સેવક દર્શન વિષ્ણુભાઈ પટેલ ઝડપાઈ ગયો હતો. જોકે, વિશાલ જોશી સ્થળ પર હાજર ન મળતા તેની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરકારી કચેરીના કામકાજના સમયે ACB દ્વારા ગોઠવવામાં આવેલી આ ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ તાલુકાના મોટા દિનારા ગામના એક અરજદારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાના અને પોતાના સંબંધીઓના મકાનોમાં સહાય મેળવવા માટે અરજી કરી હતી. આ અરજીઓના નિકાલ માટે જ આ લાંચની માંગણી કરવામાં આવી હતી.
ACBના મદદનીશ નિયામક શ્રી કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભુજ ACB પી.આઈ. લાલજીભાઈ ચૌધરી અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવીને ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. આ ઘટના સરકારી કામકાજમાં પારદર્શિતા અને પ્રમાણિકતા લાવવાની દિશામાં ACBના કડક પગલાં દર્શાવે છે.