મેઘપર બોરીચી વિસ્તારમાં સ્પર્ધાની અદાવતમાં સ્પા મેનેજર પર ઍસિડ હુમલો, ૬ સામે ગુનો દાખલ

મેઘપર બોરીચી વિસ્તારમાં સ્પર્ધાની અદાવતમાં સ્પા મેનેજર પર ઍસિડ હુમલો, ૬ સામે ગુનો દાખલ મેઘપર બોરીચી વિસ્તારમાં સ્પર્ધાની અદાવતમાં સ્પા મેનેજર પર ઍસિડ હુમલો, ૬ સામે ગુનો દાખલ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કહેવાતા સ્પા મસાજ પાર્લરો વચ્ચે ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધાએ ભયાવહ સ્વરૂપ ધારણ કર્યું છે. અંજારના મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા કષ્ટભંજન ગેસ્ટ હાઉસ નજીકના એક સ્પા સેન્ટરમાં ધંધાકીય અદાવતને કારણે હરીફ સ્પાના છ શખ્સોએ ૩૦ વર્ષીય મહિલા મેનેજર પર ઍસિડ હુમલો કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. સદનસીબે, યુવતીના હાથ પર સામાન્ય દાઝવાની ઈજા થઈ છે અને તે મોટી દુર્ઘટનામાંથી બચી ગઈ છે.

મંગળવાર રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં બનેલી આ ઘટના અંગે અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે એ-વન સ્પાના પાર્ટનર સંચાલકો કલ્પેશ દેસાઈ અને શબ્બિર બાયડ તેમજ તેમના સાગરીતો ફિરોઝ લંઘો, મયૂર ઠક્કર, વસંત કોલી અને એક અજાણ્યા યુવક સહિત કુલ છ લોકો સામે ગુનો દાખલ કર્યો છે.

Advertisements

ફરિયાદી યુવતી દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, મંગળવારે રાત્રે આરોપીઓ તેમના સ્પામાં ઘૂસી આવ્યા હતા અને માથાકૂટ શરૂ કરી હતી. તેઓ થોડા સમય અગાઉ જ નોકરીએ લાગેલી એક યુવતીને બોલાવવા અને તેની પાસે જ મસાજ કરાવવાની માંગ કરી રહ્યા હતા. જોકે, સ્પાનો સમય પૂરો થઈ ગયો હોવાનું કહી મેનેજરે ઇનકાર કર્યો હતો. આ ઝઘડા દરમિયાન, સ્પામાં કામ કરતી અન્ય બે યુવતીઓ રિસેપ્શન પર દોડી આવતા વસંત કોલી અને ફિરોઝ લંઘાએ તેમની સાથે શારીરિક અડપલાં કરવાનું શરૂ કર્યું હતું.

મેનેજર યુવતીએ પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા બે આરોપીઓએ તેના બંને હાથ પકડી રાખ્યા હતા, જ્યારે એક અજાણ્યા શખ્સે તેના માથાના વાળ ખેંચ્યા હતા. તે જ સમયે, કલ્પેશ દેસાઈએ ખિસ્સામાંથી ઍસિડની બોટલ કાઢી “આ ઍસિડ છે અને હું તારો ચહેરો બગાડી નાખીશ” કહીને તેના ચહેરા પર ઍસિડ છાંટ્યો હતો. સદનસીબે, યુવતીએ ગમે તેમ કરીને પોતાનો જમણો હાથ છોડાવી ચહેરા પર ઢાંકી દેતા ઍસિડના થોડા છાંટા તેના હાથ પર પડ્યા હતા.

રાડારાડી થતા કલ્પેશના હાથમાંથી ઍસિડની બોટલ નીચે પડી ગઈ, જે શબ્બિરે ઉપાડીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી હતી. હોબાળો થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. જતા જતા શબ્બિરે મેનેજર યુવતીને ધમકી આપતા કહ્યું હતું કે “આ વખતે તો તું બચી ગઈ છે, બીજી વખત આવશું ત્યારે તને જાનથી મારી નાખશું અને તારો ચહેરો બગાડી નાખશું.” તમામ આરોપીઓ કાળા રંગની કીયા કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા.

Advertisements

યુવતીએ ધંધાકીય સ્પર્ધાની અદાવતમાં કલ્પેશ અને શબ્બિર સહિતના આરોપીઓએ કાવતરું રચી સ્પામાં કામ કરતી યુવતીઓની જાતીય સતામણી કરી પોતાના પર ઍસિડ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. સામાન્ય ઈજા થઈ હોઈ યુવતીએ હોસ્પિટલ જવાના બદલે સ્પાની અંદર જ પ્રાથમિક સારવાર કરાવી લીધી હતી. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment