ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ તાલુકાના મીઠીરોહર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરીને પાક્કું બાંધકામ કરનાર આરોપી વિરુદ્ધ તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હનિફ ઇબ્રાહિમ સંઘાર (રહે. મીઠીરોહર, તા. ગાંધીધામ) એ મીઠીરોહર સીમમાં મહાલક્ષ્મી ગોડાઉન (એચ.કે.) નજીક જી.આઈ.ડી.સી. રોડ પર આવેલા સરકારી પ્લોટમાં અંદાજે ૧૫૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વરંડો, ચાર રૂમો અને બાથરૂમ સહિત પાક્કું રહેણાંક બાંધકામ કરીને કબજો કરી રાખ્યો હતો.

આ દબાણ સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી આજે ₹27,30,000/- જેટલી કિંમતની સરકારી જમીન પરથી દબાણ દૂર કરાવાયું છે. હનિફ સંઘાર વિરુદ્ધ અગાઉથી રાયોટિંગ, મારામારી અને પ્રોહિબિશન જેવા ગુનાઓ નોંધાયેલા છે અને તેના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લઇ આ કાર્યવાહી અમલમાં આવી હતી. તંત્રએ હેતુ રાખ્યો છે કે આવનાર સમયમાં આવા ગેરકાયદે બાંધકામો સામે સખત પગલાં લેવામાં આવશે.
