ગાંધીધામ ટુડે, ન્યૂઝ: સિંધુ રીસેટલમેન્ટ કોર્પોરેશન દ્વારા લીઝ પર અપાયેલી નેક્સસ ક્લબની પાર્ટનરશીપ અને સંચાલન બોગસ આધાર પૂરાવા થકી બળજબરીથી પડાવી લઈ ફ્રોડ કરવાના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
ગાંધીધામ એ ડિવીઝનના ચકચારી એસઆરસી નિર્મીત સિંધુ ભવન (નેક્સસ ક્લબ સંચાલીત) વિશ્વાસઘાતના કેસમાં પુર્વ કચ્છ પોલીસે એક મહત્વપુર્ણ પગલું ઉઠાવતા એસઆરસીના ડાયરેક્ટર હરીશ પેરુબલ કલ્યાણી અને સીનીયર એક્ઝુટીવ એન્જિનીયર આત્મારામ બુલચંદાણી સામે અટકાયતી પગલા ભરાયા હતા. અંજારના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીએ જણાવ્યું કે સિંધુ ભવનને લગતા ચાલતા કેસની તપાસ તેમના હસ્તગત હતી, જે આગળ ધપતા આ કાયર્વાહી કરાઇ છે.
ગત ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સુભાષચંદ્ર જમનાપ્રસાદ સ્વામી (રહે. મૂળ બાગેશ્વર, ઉત્તરાખંડ)એ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે જીતુ હરકિશન ચંદનાની, હરકિશન એમ. ચંદનાની, ગુલ ગોપાલદાસ દરિયાણી, તેમના પત્ની માધુરી દરિયાણી અને રજિસ્ટ્રાર ઑફ ફર્મ્સ એમ.સી. પ્રજાપતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી જેમાં આરોપ કરાયો હતો કે પાંચે જણે ભેગાં મળીને, તેમને વિશ્વાસમાં લઈ, ગુનાહિત કાવતરું રચી, અપ્રમાણિકપણે મિલકત પચાવી પાડવાના ઈરાદે બનાવટી ભાગીદારી કરારો કરીને, બનાવટી જી ફોર્મ્સ બનાવી તેને રજિસ્ટ્રાર ઑફ ફમ્સર્માં વેલ્યુએબલ સિક્યોરીટી તરીકે રજૂ કરી/કરાવી, નેક્સસ ક્લબમાં ગેરકાયદે પ્રવેશ કરી ક્લબનો કબજાે ઝૂંટવી લીધો છે તેમજ ભાગીદાર દિપ્તીબેન આશરને ક્લબમાં પ્રવેશવા સબબ ધાકધમકી કરી હતી.
ત્રણેક વર્ષ અગાઉ આરોપી જીતુ હરકિશન ચંદનાનીએ પોતાને ક્લબનો એમડી ગણાવીને ૨૯-૦૩-૨૦૨૨ના રોજ પૂજા હિરાનંદાની, સુભાષ સ્વામી સહિતના ચાર લોકો સામે ખોટાં દસ્તાવેજાેનો ઉપયોગ કરી ક્લબનો વહીવટ પડાવી લેવાની ફોજદારી ફરિયાદ નોંધાવી હતી.