ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ડીસામાં ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં આગ ભભુક્યા બાદ હરકતમાં આવેલા કચ્છ કલેક્ટરે તમામ પ્રાંત અધિકારીઓને તપાસના આદેશ આપ્યા છે.
ડીસામાં ઢુંવા રોડ પર ગેરકાયદેસર ધમધમતી ફટાકડાની ફેક્ટરી અને ગોદામમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ બ્લાસ્ટ થતાં ૨૧ લોકોના મોત થયા છે.
કચ્છમાં ૨૪ માર્ચ બાદ ભચાઉ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પાછળની ઝાડી, ભુજ તાલુકાના સુમરાસર પાસે ઘાસ ભરેલી ટ્રક, ભુજમાં ન્યૂ સ્ટેશન રોડ પરના ગેરેજના ગોદામ, ભચાઉના લાયન્સનગરમાં ઝાડીમાં, ભુજના શિવકૃપાનગરમાં બ્રહ્મસમાજવાડી અને સોમવારે જ પડાણા ગામ પાસે આવેલી કંપનીમાં આગ લાગી હતી.
જિલ્લામાં આગની ઘટનાઓ વધી છે તો બીજી બાજુ ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી ભયાવહ આગને લઇને કચ્છનું તંત્ર પણ હરકતમાં આવ્યું છે. આ અંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના તમામ પ્રાંત અધિકારીઓને સ્થાનિકે ટીમ બનાવી ફટાકડાની ફેક્ટરીઓની તપાસ કરવા અને કયાંય પણ સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોય કે, ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે.