ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ અંજારના વરસામેડી સીમમાં યુવાનની તીક્ષ્ણ હથિયાર ઝીંકી હત્યા કર્યા બાદ મૃતદેહ કેનાલમાં ફેંકી દેવાયો હોવાની ઘટનામાં મૃતકના પત્નીએ અજ્ઞાત ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. મુળ ઉત્તરપ્રદેશના પૂજાબેન રાહુલકુમાર રાકેશકુમાર ગૌડે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ બન્ને પતિ અને પત્ની વેલસ્પન કંપનીમાં નોકરી કરે છે , શુક્રવારે તેમના પતિની શિફ્ટ સવારે સાત વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી હતી અને તેમની નોકરીનો સમય બપોરે ત્રણ થી આઠ વાગ્યા સુધીનો હતો.

સવારે પતિ નોકરીએ ચાલ્યા ગયા અને બે બાળકો સ્કુલ ગયા હતા. બપોરે તેઓ નોકરીએ ગયા બાદ તેમના બન્ને સંતાન ઘરે હતા અને પડોશમાં રહેતો ઇન્દ્રજિત પણ પોતાના રૂમ પર હતો. રાત્રે આઠ વાગ્યે નિત્યક્રમ મુજબ તેમણે પોતાના પતિને ફોન કરી ક્યાં છો ? કહેતાં તેણે બજારમાં સામાન લેવા આવ્યો છું ત્યારબાદ તેમણે પછી ઘરે જશે કહેતાં ફોન કપાઇ ગયો હતો. રાત્રે 11 વાગ્યે તેઓ નોકરીએથી ઘરે પરત ફર્યા ત્યારે બે દિકરીઓ તથા ઇન્દ્રજિત હાજર હતા અને દીકરીઓએ પપ્પા ક્યાં પુછતાં તેમણે ઇન્દ્રજીતને પુછ્યું તો તેણે હું પોતે બહાર હતો મે નથી જોયા કહ્યું હતું.

ત્યારબાદ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી આખી રાત ફોન કર્યા પણ ફોન બંધ આવતો હતો. સવારે ઉઠીને પણ ફોન કર્યો તો બંધ આવતો હતો. બપોરે તેમના ઘરે પોલીસ આવી હતી અને રાહુલનું ઘર છે પુછતાં તેમણે હા પાડી તે. મારા પતિ થાય છે કહેતાં પોલીસે તમને અમારી સાથે ચાલવું પડશે કહેતાં તેઓ પોલીસ સાથે અંજાર સરકારી હોસ્પિટલ ગયા હતા જ્યાં ગળામાં ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં તેમના પતિ રાહુલનો મૃતદેહ હતો. તેમણે પોલીસને પુછતાં પોલીસે જણાવ્યું હતું કે કોઇ અજાણ્યો ઇસમ તમારા પતિને તીક્ષ્ણ હથિયાર વડે મારી વરસામેડી પાસેની કેનાલમાં ફેંકી ગયો હતો. અમે મૃતદેહ કાઢીને અહીં લાવ્યા છીએ જણાવ્યું હતું. તેમણે પોતાના પતિની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હોવાની ફરિયાદ તેમણે નોંધાવી હતી. આ ઘટનામાં તપાસ કરી રહેલા પીઆઇ એ.આર.ગોહિલે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે તેમ જણાવ્યું હતું.

રહસ્યમય સંજોગોમાં થયેલી હત્યાથી બેડામાં દોડધામ એક પરિવારના બન્ને મોભી પતિ અને પત્ની બન્ને એક જ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને અચાનક નોકરીએ ગયા બાદ પતિ અચાનક જ લાપત્તા થયા બાદ કેનાલમાં તીક્ષ્ણ હથિયારથી ગળું વેતરી નાખેલી હાલતમાં મૃતદેહ મળે છે. રહસ્યમય સંજોગોમાં થયેલી આ ઘટનાથી પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસ આ ઘટનાનો તાગ મેળવવામાં મથી રહી છે પણ હાલ તો 13 અને 9 વર્ષની બે માસૂમ દીકરીઓએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.