પૂર્વ કચ્છમાં ગાંધીધામ-અંજાર સીમમાં જમીનના વધતા ભાવો વચ્ચે કાવાદાવા અને વિવાદો વધ્યા છે. એક રીયલ એસ્ટેટ ડેવલોપરે કંપનીના ડાયરેક્ટર સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે, જેમાં ₹97 લાખ લઈને પણ વધેલા ભાવને કારણે જમીનનો દસ્તાવેજ ન લખી આપવાનો આક્ષેપ છે.
ગાંધીધામ ટુડે, ન્યૂઝ: આદિપુરના રહેવાસી અને રીયલ એસ્ટેટ ડેવલોપર અતુલ કાન્તિલાલ મેવાડાએ અંજાર પોલીસ મથકે ગાંધીધામ સ્થિત એકેબી શેલ્ટર્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર સુનિલ સુરેશભાઈ નંદવાણી સામે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ચાર વર્ષ અગાઉ મેવાડાએ નંદવાણી પાસેથી વરસામેડી સર્વે નંબર-522 પૈકી 1 વાળી 15,371 ચોરસ મીટર જમીન ₹97 લાખમાં ખરીદી હતી. જોકે, જમીન પર કૉર્ટમાં દિવાની દાવા ચાલતા હોવાથી અને ‘ટાઈટલ ક્લિયર’ થઈ શકે તેમ ન હોવાથી, વેચનાર સુનિલ નંદવાણીએ 11 ફેબ્રુઆરી 2022ના રોજ ફરિયાદીની તરફેણમાં રજિસ્ટર્ડ પાવર ઓફ એટર્ની લખી આપ્યું હતું.
ડેવલોપરે સ્વખર્ચે જમીન ક્લિયર કરાવી:
આ પાવરનામાના આધારે અતુલ મેવાડાએ જમીનનો ‘રિવાઈઝ્ડ લે આઉટ પ્લાન’ જીડીએમાંથી મંજૂર કરાવ્યો હતો. વધુમાં, કૉર્ટમાં ચાલતા દિવાની દાવા પણ સ્વખર્ચે પરત ખેંચાવ્યા અને જમીનને ડેવલોપ કરી તેનું ‘ટાઈટલ ક્લિયર’ કરાવ્યું હતું.
ભાવ વધતાં વેચનારે ફેરવ્યો ફરી:
ફરિયાદી મેવાડાએ જમીનનું ટાઈટલ ક્લિયર કરાવી દીધા બાદ સુનિલ નંદવાણીને તેના નામે જમીનનો દસ્તાવેજ લખી આપવા જણાવ્યું હતું. પરંતુ, જમીનના ભાવમાં મોટો વધારો થતાં, નંદવાણીએ દસ્તાવેજ લખી આપવાનો ઇનકાર કરીને વિશ્વાસઘાત કર્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ચાર વર્ષ બાદ ₹97 લાખ પરત આપવાનો પ્રયાસ:
અતુલ મેવાડાએ જણાવ્યું કે સોદો થયાના ચાર વર્ષ બાદ, ગત જુલાઈ માસમાં સુનિલ નંદવાણીએ તેમને ₹97 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ મોકલ્યો હતો, જેનો મેવાડાએ અસ્વીકાર કર્યો હતો. આના પરથી સ્પષ્ટ થાય છે કે આરોપી હવે રૂપિયા પરત આપીને જમીન આપવા ઈચ્છતા નથી. આરોપીનો સંપર્ક પણ ન થતો હોવાથી આખરે અંજાર પોલીસ મથકે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અંજાર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની તપાસ હાથ ધરી છે.