ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગીરસોમનાથ જિલ્લાના સુપાસી ગામના વતની અને સમગ્ર ગુજરાતના આહીર સમાજના અગ્રણી નેતા હીરાભાઈ જોટવાની અટકાયત બાદ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પૂર્વ કચ્છ જિલ્લા આહીર સેના દ્વારા મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજ્યને પ્રાંત અધિકારી, અંજાર અને નાયબ કલેક્ટર, અંજાર મારફત એક આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
આવેદનપત્રમાં આહીર સેનાએ જણાવ્યું છે કે, હીરાભાઈ જોટવા અને તેમના પરિવારની કોઈ સીધી સંડોવણી ન હોવા છતાં, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં માત્ર પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ દ્વારા તેમને લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ પૂછપરછના બહાના હેઠળ તેમની અટકાયત કરવામાં આવી અને કોઈ સીધી સંડોવણી ન હોવા છતાં FIR નોંધવામાં આવી, જે બિલકુલ યોગ્ય નથી.

આહીર સેનાનો આક્ષેપ છે કે, જે પેઢીમાં ગુનો આચરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે, તેમાં હીરાભાઈ કે તેમનો પરિવાર ન તો માલિક છે કે ન તો ભાગીદાર. તેમ છતાં, ઓન-રેકોર્ડ પુરાવા વિના કિન્નાખોરીથી હીરાભાઈ અને તેમના પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને ટોર્ચરિંગથી જે પ્રક્રિયા થઈ રહી છે તે ન્યાયિક નથી.
આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે, આખો સમાજ જાણે છે કે હીરાભાઈ જોટવા એક નિષ્ઠાવાન અને સત્યનિષ્ઠ વ્યક્તિ છે. તેમને અને તેમના પરિવારને ટાર્ગેટ કરીને જાણે કે આહીર સમાજનું રાજકીય નેતૃત્વ ખતમ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે, જે અત્યંત ગંભીર બાબત છે.
આહીર સેના, ગુજરાત (પૂર્વ કચ્છ જિલ્લા) દ્વારા આ વેદનાસહ આવેદનપત્ર પાઠવીને એવી વિનંતી કરવામાં આવી છે કે, ખરા ગુનેગારોને બચાવવા માટે ઉપલા સ્તરેથી હીરાભાઈ જોટવા અને તેમના પરિવારને ખોટી રીતે સંડોવવામાં આવી રહ્યા છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ છે. આથી, હીરાભાઈ અને તેમના પરિવારને ખોટી રીતે હેરાન-પરેશાન ન કરવામાં આવે અને સમગ્ર મામલે તટસ્થતાથી તપાસ કરવામાં આવે.