ગાંધીધામ ટુડે, ન્યૂઝ : 12 જૂનના રોજ અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનરના ભયાનક ક્રેશમાં, જેમાં 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તે અંગે યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ એક નવો અને મહત્વનો ખુલાસો કર્યો છે. FAAના તપાસ રિપોર્ટ મુજબ, પ્લેનના ફ્યુલ કંટ્રોલ સિસ્ટમમાં કોઈ ટેક્નિકલ ખામી જોવા મળી નથી, જે અત્યાર સુધી ક્રેશનું સંભવિત કારણ માનવામાં આવતું હતું.
આ દૂર્ઘટના એર ઇન્ડિયાના તાજેતરના ઇતિહાસમાં સૌથી ભયાનક વિમાન દુર્ઘટના તરીકે નોંધાઈ છે.
ફ્યુલ સિસ્ટમમાં ખામીના કોઈ સંકેત નથી: FAA
This Article Includes
વિસ્કોન્સિનમાં આયોજિત એક એવિએશન કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતા, FAA એડમિનિસ્ટ્રેટર બ્રાયન બેડફોર્ડે જણાવ્યું હતું કે તપાસકર્તાઓને ફ્યુલ સિસ્ટમ યુનિટમાં ખામીના કોઈ સંકેતો મળ્યા નથી. તેમણે સ્પષ્ટતા કરી કે ફ્યુલ સ્વિચમાં અનિચ્છનીય હેરફેરના પણ કોઈ પુરાવા મળ્યા નથી. બેડફોર્ડે દ્રઢતાપૂર્વક કહ્યું કે, “અમને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આ ફ્યુલ કંટ્રોલમાં અજાણતા થયેલી ગરબડનો મામલો નથી. મિકેનિકલ ખામીની કોઈ સંભાવના જોવા મળી નથી.”
ફ્યુલ સ્વિચ કટઓફ અને કોકપિટ રેકોર્ડિંગ
ભારતનું એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) અમેરિકાની NTSB (નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ) સાથે મળીને આ દુર્ઘટનાની તપાસ કરી રહ્યું છે. તેમના પ્રારંભિક રિપોર્ટમાં જણાવાયું હતું કે, ટેકઓફ બાદ બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ – જે એન્જિનમાં ફ્યુલના પ્રવાહને નિયંત્રિત કરે છે – ‘કટઓફ’ની સ્થિતિમાં આવી ગઈ હતી. આના કારણે એન્જિનમાં ફ્યુલનો સપ્લાય અચાનક બંધ થઈ ગયો હતો. જોકે, દસ સેકન્ડમાં સ્વિચ ‘રન’ સ્થિતિમાં પાછી આવી હતી, પરંતુ એન્જિન સમયસર થ્રસ્ટ પાછું મેળવી શક્યું નહીં.
કોકપિટ વોઇસ રેકોર્ડિંગમાં, એક પાઇલટ બીજાને ફ્યુલ સ્વિચની ગતિવિધિ વિશે પૂછે છે, જ્યારે બીજો પાઇલટ તેનો ઇનકાર કરતો હોય તેવું જણાય છે. આના પરથી તારણ કાઢવામાં આવ્યું કે ફ્યુલ કંટ્રોલ સ્વિચ બંધ થઈ ગઈ હતી અથવા અટવાઈ ગઈ હતી, જેના કારણે ફ્યુલ સપ્લાય બંધ થયો હતો. જોકે, તપાસકર્તાઓ હજુ સુધી એ નક્કી કરી શક્યા નથી કે આ વાતચીત ફર્સ્ટ ઓફિસર ક્લાઇવ કુંદરે કરી હતી કે કેપ્ટન સુમિત સભરવાલ દ્વારા. AAIB હજુ પણ એ તપાસ કરી રહ્યું છે કે શું માનવીય ભૂલ, સંચારના અભાવે, કે સિસ્ટમ સંબંધિત ખામીને કારણે સ્વિચની ગતિવિધિ બંધ થઈ હતી.
DGCAનો તપાસનો આદેશ અને એર ઇન્ડિયાનું નિરીક્ષણ
આ દૂર્ઘટના બાદ, ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 14 જુલાઈના રોજ ભારતીય એરલાઇન્સ દ્વારા સંચાલિત બોઇંગ 787 અને 737 વિમાનના ફ્યુલ કંટ્રોલ સ્વિચ પર લોકીંગ મિકેનિઝમનું તાત્કાલિક નિરીક્ષણ ફરજિયાત કર્યું હતું, જેની છેલ્લી તારીખ 21 જુલાઈ હતી.
એર ઇન્ડિયાએ તેના તમામ વાઇડબોડી અને નેરોબોડી કાફલાનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે, જેમાં કોઈ અનિયમિતતા નોંધાઈ નથી. બોઇંગ અને FAA બંનેએ જણાવ્યું છે કે લોકીંગ મિકેનિઝમ સહિત વર્તમાન સિસ્ટમ સલામત છે અને ઉપલબ્ધ પુરાવાના આધારે ડિઝાઇનમાં કોઈ ફેરફારની જરૂર નથી.
આ નવા ખુલાસા સાથે, તપાસ હવે માનવીય પરિબળો અને સંભવિત સંચાર ભૂલો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. શું આ દૂર્ઘટના ખરેખર મિકેનિકલ ખામીને બદલે માનવીય ભૂલનું પરિણામ હતી?