ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ તાપ કચ્છમાં અનુભવાઇ રહ્યો છે જેમાં શાળાએ જતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે.અસહ્ય ગરમીના કારણે વિદ્યાર્થીઓ પરેશાન છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે.ગરમી અને પાણીની સમસ્યાને કારણે કચ્છની તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારે 7.10 થી 11:40 સુધીનો વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે રાખવા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પત્ર બહાર પાડવામાં આવ્યો છે.

તમામ શાળાઓમાં બાળકોને હિટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયો વિશે સમજણ અપાય તેવી સૂચના અપાઈ છે તેમજ ઉનાળા દરમિયાન કોઈ ઓપન વર્ગો હાથ ધરવાના રહેશે નહીં.શાળાઓ સવારની પાળીમાં જ ચલાવવાની રહેશે.બે પાળી વાળી શાળાઓએ પણ બપોરની પાળીમાં સ્કૂલ ચલાવવાની નથી તેવી ખાસ ટકોર કરાઈ છે.
આ સૂચનાઓ ફક્ત હિટવેવના સમયગાળા માટે છે.હિટવેવનો સમયગાળો પૂર્ણ થયા બાદ મુખ્ય શિક્ષકે પોતાની વિવેક બુદ્ધિ અનુસાર રાબેતા મુજબનો સમય કરવાનો રહેશે અને આ નિયમો તમામ સરકાર માન્ય, તમામ સરકારી,સ્વનિર્ભર અને અનુદાનીત શાળાઓને લાગુ પડશે જેની તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી મારફતે જાણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પ્રાથમિક વિભાગ દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે ત્યારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ દ્વારા પણ આ પ્રમાણેનો નિર્ણય લેવામાં આવે તેવી વાલીઓ તરફથી માંગણી ઉઠી રહી છે. નોંધનીય છે કે, છેલ્લા સપ્તાહથી કચ્છમાં ગરમીમાં વધારો થવાની સાથે પારો ઉંચકાયો છે, જેની અસર હેઠળ ઝાડા, ઉલ્ટીના કેસોમાં ઉછાળો આવ્યો છે ત્યારે પરીક્ષાનો સમય બપોરના બદલે સવારનો કરાયો છે.