ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ એસોસિયેશનોના ઉગ્ર આક્રોશ બાદ નૅશનલ હાઇવે ઓથોરિટી તાત્કાલિક હરકતમાં આવી છે. ગળપાદરથી મુન્દ્રા રોડ સુધીના જર્જરિત માર્ગો પર આજે સવારથી યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. એક સાથે 4થી 5 સ્થળોએ કામો હાથ ધરાતા સ્થળ પર નૅશનલ હાઈવેના અધિકારીઓ તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

રસ્તાની બિસ્માર હાલતને કારણે વેપારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, જેના વિરોધ સ્વરૂપે ટ્રાન્સપોર્ટ એસોસિયેશનો દ્વારા “નો રોડ, નો ટોલ”ની ચેતવણી આપવામાં આવી હતી. આ ચેતવણીને પગલે તંત્રે ઝડપથી કાર્યવાહી હાથ ધરી છે.

ડમ્પર એસોસિયેશનના પ્રમુખ શિવજી આહિરે જણાવ્યું કે, જો 10મી તારીખ સુધી તમામ માર્ગોના કામ પૂર્ણ નહીં થાય તો “નો રોડ, નો ટોલ” અભિયાન યથાવત રહેશે અને આંદોલનને વેગ આપવામાં આવશે.
ટ્રાન્સપોર્ટરોના આંદોલનને કારણે નૅશનલ હાઇવે ઓથોરિટીએ તાત્કાલિક દખલ લેવી પડી છે. હવે જોવાનું રહ્યું કે નક્કી કરેલી સમયમર્યાદામાં તમામ કામ પૂર્ણ થાય છે કે નહીં.