ગાંધીધામ ટુડે, ન્યૂઝ : દિલ્લીમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ ઉપસ્થિત રહ્યા. સમારોહમાં પોતાના સંબોધન દરમિયાન તેમણે BSFના યોગદાનની પ્રશંસા કરી અને દેશની સરહદોની સુરક્ષા માટેના તેમના ત્યાગને સલામ પાઠવી.
તેમણે જણાવ્યું કે જ્યારે ‘એક ફોર્સ એક બોર્ડર’ ની નીતિ અમલમાં આવી ત્યારે BSFને સૌથી ચિંતાજનક બંને સરહદો — પાકિસ્તાન અને બાંગ્લાદેશ —ની જવાબદારી સોંપવામાં આવી. BSFએ આ બંને સીમાઓને સફળતાપૂર્વક સુરક્ષિત રાખી છે.
આ પ્રસંગે તેમણે “ઓપરેશન સિંદૂર” અંગે પણ માહિતી આપી. અમિત શાહે કહ્યું કે, પહેલગામ આતંકી હુમલાનો જવાબ આપવાનું કેવળ એક મિલિટરી રિએક્શન નહીં પરંતુ ભારતની મજબૂત રાજકીય ઇચ્છાશક્તિ, ગુપ્તચર માહિતી અને ત્રિ-સેના સંકલનનું જીવંત ઉદાહરણ હતું.
તેમણે કહ્યું કે પાકિસ્તાન વર્ષોથી આતંકવાદને આશ્રય આપી રહ્યો છે. પુલવામા હુમલા પછી ભારતીય વાયુસેનાએ હવાઈ હુમલો કર્યો અને હવે પહેલગામના નિર્દોષ લોકો પર થયેલા હુમલાનો જવાબ “ઓપરેશન સિંદૂર” રૂપે આપવામાં આવ્યો છે.
તેમણે દાવો કર્યો કે BSFના મજબૂત બંદોબસ્તને કારણે હવે પાકિસ્તાની સેનાને સરહદ ક્રોસ કરવાની હિંમત રહી નથી. પાકિસ્તાનમાં 100 કિ.મી. અંદર ઘૂસીને આપેલા જવાબથી દેશને ગર્વ છે.
સમાપન કરતાં ગૃહમંત્રીએ કહ્યું કે આજે આખી દુનિયા ભારતીય સેનાની બહાદુરીની પ્રશંસા કરી રહી છે અને ભારત હવે આતંકવાદ સામે સહનશક્તિ નહીં, જવાબ આપવાનું મંત્ર લે છે.