મહાકુંભથી પરત આવતા ગુજરાતના 4 શ્રદ્ધાળુનાં મોત

An average of 350 new cases of TB every day in Gujarat is a concern An average of 350 new cases of TB every day in Gujarat is a concern

ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ લીમખેડાના પાલ્લી ગામ નજીક હાઈવે પર શુક્રવારે(14 ફેબ્રુઆરી) મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજ કુંભમેળામાંથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટાટા વિંગર ટ્રાવેલર ગાડી (GJ-05-CW-2699) રસ્તા પર ઊભેલી ટ્રક (UP-53-FT-0167) સાથે ધડાકાભેર અથડાતાં અંકલેશ્વર અને ધોળકા વિસ્તારના ચાર શ્રદ્ધાળુનાં કરુણ મોત નીપજ્યાં છે, જેમાં પતિ-પત્નીનો પણ સમાવેશ થાય છે. જ્યારે પાંચથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી વધુ સારવાર અર્થે દાહોદની ઝાયડસ હોસ્પિયલમાં ખેસડાયા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે તથા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીમખેડા ખસેડવામાં આવ્યા હતા.

મૃતકોનાં પરિવારજનોમાં શોકની લાગણી

પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાને કારણે મૃતકોનાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. આધ્યાત્મિક યાત્રાથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારો માટે આ ઘટના અત્યંત દુ:ખદ બની રહી છે.

પ્રયાગરાજથી આવતી ગાડી ટ્રકમાં ઘૂસી: Dy.SP એમ.બી. વ્યાસ

લીમખેડા Dy.SP એમ.બી. વ્યાસે જણાવ્યું હતું કે ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં લીમખેડા-પાલ્લી ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં પડેલી હતી, જેને આજે રાત્રે ત્રણેક વાગ્યાના અરસામાં પ્રયાગરાજથી કુંભમેળામાંથી પરત આવતી ગાડીએ ટક્કર મારતાં ચાર પ્રવાસીઓનાં મોત થયાં છે, જ્યારે પાંચથી વધુ લોકોને ઇજા થઇ છે. ઇજાગ્રસ્તોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે મૃતકોની પી.એમ.ની કાર્યવાહી લીમખેડા સી.એચ.સી ખાતે થઇ રહી છે.

રાત્રે ફોન આવતાં જ અમારી ટીમ દોડી આવી: ટોલ કર્મચારી

ટોલ કર્મચારી અક્ષયકુમાર બારિયાએ જણાવ્યું હતું કે લીમખેડા ઓવરબ્રિજની ઉપર એક ટ્રક બંધ હાલતમાં પડી હતી. એની સૂચના અમને સાંજે સાડાસાત વાગ્યાની આસપાસ મળી હતી, જેથી અમારી પેટ્રોલિંગ ટીમે આવીને સેફ્ટી પ્રોવાઇડ કરી હતી. આ બાદ રાત્રે અમને ફરીથી રાત્રે કોલ આવ્યો કે બ્રિજ પર અકસ્માત થયો છે, જેથી ઘટનાસ્થળ પર અમારી ટીમ દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને લીમખેડા હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે, જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત છે.

ટ્રકની બ્રેક ફેઇલ થતાં રોડની સાઇડમાં ઊભી હતી

અન્ય ટ્રકચાલક ગોવિંદ મજેસિયાએ જણાવ્યું હતું કે અમારી બે ગાડી હતી. અમે જે ગાડી લઇને જઇ રહ્યા હતા એ આગળ હતી અને આ ગાડી પાછળ હતી. આ દરમિયાન ગઇકાલે સાંજના સમયે આ ગાડીના ડ્રાઇવરનો ફોન આવ્યો કે ગાડીની બ્રેક ફેલ છે, જેથી અમે મિકેનિકને ફોન કર્યો પણ તેણે સવારે આવવાનું કીધું હતું, જેથી અમે ટોલ ટેક્સ પર ફોન કર્યો હતો, એ લોકોએ આવીને ડિવાઇડર મૂક્યા હતા. આ બાદ રાત્રે આ અકસ્માત થયો ત્યારે આ ગાડીના ચાલકનો અમને ફોન આવ્યો હતો કે પાછળથી કોઇ ગાડીએ ટક્કર મારી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *