ગાંધીધામ ટુડે, ન્યૂઝ : બહુચર્ચિત ફિલ્મ ‘બાગી-4’, જેમાં ટાઈગર શ્રોફ, સંજય દત્ત અને હરનાઝ સંધુ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે, તે 5મી સપ્ટેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું એક ગીત ‘રોના સીખા દિયા’ અંજારના પ્રતિભાશાળી ગીતકાર ફરહાન મેમણ દ્વારા લખવામાં આવ્યું છે.
ફરહાને બાળપણથી જ કવિતા અને શાયરીમાં ઊંડો રસ દાખવ્યો હતો. તેમણે ઘણા યુવા મહોત્સવોમાં કાવ્ય સ્પર્ધાઓમાં ભાગ લીધો અને રાજ્ય સ્તર સુધી પહોંચ્યા. જોકે, બોલીવૂડમાં કામ મેળવવું સહેલું નહોતું. તેમણે સોશિયલ મીડિયા દ્વારા ઘણા સંગીત નિર્દેશકોના સંપર્કમાં આવવાનો પ્રયાસ કર્યો અને તેમને પોતાના લખેલા ગીતો મોકલ્યા.
ફરહાનની બોલીવૂડ સફર
This Article Includes
એક દિવસ, ફરહાને સંગીત નિર્દેશક ગૌરવદાસ ગુપ્તાને ‘રંગદરિયા’ ગીતનું મુખડું મોકલ્યું. ગૌરવદાસ ગુપ્તાને આ ગીત ખૂબ જ ગમ્યું અને તેમણે તેને કમ્પોઝ કર્યું. જ્યારે આ ગીત ઈમરાન હાશ્મીને સંભળાવવામાં આવ્યું, ત્યારે તેમણે તેને પોતાની ફિલ્મ ‘ચેહરે’ માટે પસંદ કરી લીધું. આ ગીત એટલું પ્રખ્યાત થયું કે ખુદ મહાનાયક અમિતાભ બચ્ચનને પણ તે ખૂબ જ પસંદ પડ્યું હતું. ફરહાન આ સફળતાને પોતાનું સૌભાગ્ય માને છે.
આગામી પ્રોજેક્ટ્સ અને સપના
‘ચેહરે’ ઉપરાંત, ફરહાને અન્ય આલ્બમ ગીતો ‘જુગ્નુ’ અને ‘મેહરમ’ પણ લખ્યાં છે, જેને લોકોએ ખૂબ પસંદ કર્યા છે. વર્ષ 2022માં, વિનોદ ભાનુશાલીના મ્યુઝિક લેબલ હિટ્ઝ મ્યુઝિક હેઠળ તેમના ચાર ગીતો રિલીઝ થયા હતા. 2024માં, તેમણે ‘ત્રિભુવન મિશ્રા સી.એ. ટોપર’ અને ‘સેક્ટર 36’ જેવી બે બોલીવૂડ ફિલ્મો માટે પણ ગીતો લખ્યાં છે. તેમનું ગીત ‘મીઠી મીઠી બરસાતેં’ પ્રખ્યાત ગાયક શાને ગાયું હતું, જ્યારે તાજેતરમાં રિલીઝ થયેલું ગીત ‘ફિરસે મિલો’ પણ શાને ગાયું છે.
ફિલ્મ ‘બાગી-4’માં તેમનું ગીત ‘રોના સિખા દિયા’ ગૌરવદાસ ગુપ્તાએ કમ્પોઝ કર્યું છે અને પરંપરા ઠાકુરે ગાયું છે. આ ગીત ફરહાને વર્ષ 2020માં લખ્યું હતું, જે ટી-સિરીઝ પાસે હતું અને આખરે ‘બાગી-4’માં સામેલ કરવામાં આવ્યું. ફરહાનનું માનવું છે કે, મેલોડી અને ભાવથી ભરપૂર ગીતો આજે પણ ઘણા લોકો પસંદ કરે છે. તેમના મનપસંદ સંગીતકાર નદીમ-શ્રવણ છે, અને ભવિષ્યમાં તેઓ એ.આર. રહેમાન જેવા દિગ્ગજ સંગીતકાર માટે ગીત લખવાની ઈચ્છા ધરાવે છે.