ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પોલીસ વિભાગ દ્વારા તેરા તુઝકો અર્પણ અભિયાન હેઠળ લોકોની ગુમ થયેલી કે ચોરાયેલી વિવિધ વસ્તુઓને ટેક્નિકલ સોર્સના ઉપયોગ વડે શોધી લાવી ફરિયાદ કરનાર મૂળ માલિકને પરત કરવામાં આવતી હોય છે, જે અંતર્ગત અંજાર પોલીસ દ્વારા લૂંટાયેલા રોકડ રૂપિયા તેમજ ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી લાવીને આજે અધિકારીગણની ઉપસ્થિતીમાં મૂળ માલિકને પરત કર્યા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ અંજાર પીઆઈ એ આર ગોહિલે જાતેથી રસ દાખવી અરજદારની મોબાઈલ ગુમની અરજી બાબતે સીડીઆર તથા સીઈઆઈ પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફને સુચના આપી હતી. જે બાબતે પોલીસે સીડીઆર એનાલીસીસ કરી તેમજ સીઈઆઈ પોર્ટલ માધ્યમથી ટ્રેસ થયેલ ર૯ મોબાઈલ ફોન શોધી લાવ્યાં હતા.
વધુમાં, અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના નંબર ૦૩૧૮/૨૫ સંબંધિત લૂંટના કેસમાં ૭ લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યાં હતા. આ તમામ મુદામાલ આજે રોટરી હોલ ખાતે આયોજિત લોન મેળાના કાર્યક્રમ દરમિયાન તેરા તુજ કો અર્પણ અભિયાન હેઠળ મુળ માલિકને ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર, પો.આઈ.પી.એસ વિકાસ યાદવ તથા પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહિલના હસ્તે સુપ્રત કરવામાં આવ્યા હતા. આ કામગીરીમાં અંજાર પીઆઈ એઆર ગોહિલ, પીએસઆઈ એસ.જી.વાળા તથા અંજાર પોલીસ સ્ટાફ જાેડાયો હતો.