ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર પોલીસે વાહન ચોરીના ગુનામાં મોટી સફળતા મેળવી છે. પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરી થયેલું એક એક્ટિવા રિકવર કર્યું છે. આ કામગીરી અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલના નેતૃત્વ હેઠળ કરવામાં આવી હતી.
પોલીસને બાતમી મળી હતી કે એક શખ્સ ચોરી કરેલા એક્ટિવા સાથે ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે નુરાની મસ્જિદ પાસે, મેઘપર બોરીચી ખાતે રહેતા જાવેદ મામદ ચવાણ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે તેણે એક મહિના પહેલા અંજારની ઓક્ટ્રોચોકી પાસેથી આ એક્ટિવાની ચોરી કરી હતી. પોલીસે તેની પાસેથી ₹50,000ની કિંમતનું GJ-12-ES-7470 નંબરનું હોન્ડા એક્ટિવા રિકવર કર્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી બદલ અંજાર પોલીસની પ્રશંસા થઈ રહી છે.