ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કંડલા એરપોર્ટને જોડતા રાજવી રેલવે ફાટક પર ટ્રાફિક સમસ્યાથી પરેશાન વાહનચાલકો માટે ઓવરબ્રિજની રાહ વધુ લાંબી બનશે. મંજૂરી મળ્યાના એક વર્ષ બાદ પણ કામગીરી ગોકળગાય ગતિએ ચાલી રહી છે. સત્તાવાર માહિતી મુજબ, હજુ આઠ મહિના રાહ જોવી પડશે, ત્યારે 30 હજારથી વધુ વાહનચાલકોને રાહત મળશે.
માર્ગ અને મકાન વિભાગના નાયબ ઇજનેર પ્રવિણસિંહ મારવાડાએ જણાવ્યું હતું કે, ગૃહ વિભાગને લગતા મુદ્દાને કારણે કામ ધીમું હતું, પરંતુ હવે પ્રક્રિયા પૂર્ણ થતાં આગામી છ મહિનામાં બ્રિજ શરૂ થઈ જશે. આમ, પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છ મહિના ગણીએ તો વાહનચાલકોને રાહત માટે આઠ મહિના રાહ જોવી પડશે.
મુંદ્રા તરફથી આવતી માલવાહક અને પેસેન્જર ટ્રેનો સહિત દરરોજ 70 જેટલી ટ્રેનો આ ફાટક પરથી પસાર થાય છે, જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એટલું જ નહીં, અપાયેલ ડાયવર્ઝન માર્ગ પણ ધૂળિયો હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે લોકો આ બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ થાય અને ડાયવર્ઝન માર્ગ પર તાત્કાલિક ડામર પાથરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.