ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકામાં સ્ટાફની અછતને કારણે પડતી મુશ્કેલીઓનો હવે અંત આવશે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાના 319 કર્મચારીઓના મહેકમને મંજૂરી આપી દીધી છે, જેમાંથી સૌથી વધુ જગ્યાઓ વર્ગ ત્રણ અને ચારની ભરવામાં આવશે. આ મંજૂરી પછી વહીવટી તંત્ર દ્વારા ભરતી પ્રક્રિયા માટેના નીતિ-નિયમો બનાવવાની દિશામાં કામગીરી સક્રિય થઈ ગઈ છે.
અગાઉ ગાંધીધામ મહાનગરપાલિકાના વહીવટીતંત્રે કુલ 1047 કર્મચારીઓની ભરતી માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી હતી, જેમાં છ વૈધાનિક, વર્ગ એકની 13, વર્ગ-2ની લગભગ 94, વર્ગ ત્રણની 674 અને વર્ગ ચારની લગભગ 246 જગ્યાઓનો સમાવેશ થતો હતો. આ દરખાસ્તમાં મુખ્ય કચેરી, બંને ઝોન કચેરી અને વોર્ડ ઓફિસ સહિતના અલગ-અલગ સ્ટાફની વિગતવાર માહિતી હતી. લાંબા સમય સુધી આ મહેકમ મંજૂર ન થતાં અનેક પ્રશ્નો ઉભા થયા હતા, જેના કારણે જોડિયા શહેરો અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગ્રામીણ વિસ્તારોની કામગીરી પર ગંભીર અસર પડી રહી હતી.
સ્ટાફની અછતને કારણે વહીવટી તંત્ર એજન્સી મારફતે આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરીને કામગીરી કરાવી રહ્યું હતું. જોકે, મહત્વના વહીવટી અને ટેકનિકલ કર્મચારીઓના અભાવે સમયસર કામગીરી પૂર્ણ થતી ન હોવાથી ઘણી સમસ્યાઓ ઉભી થઈ રહી હતી.
હવે સરકાર દ્વારા 319 કર્મચારીઓના મહેકમને મંજૂરી મળતાં આ સમસ્યાઓનો ઉકેલ આવશે તેવી આશા છે. આ મહેકમમાં વર્ગ બે અને ત્રણના નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ), તબીબી અધિકારી, ટાઉન પ્લાનર, હિસાબી અધિકારી, મદદનીશ ઇજનેરો, ટ્રાન્સપોર્ટ, પર્યાવરણ, પ્લાનિંગ આસિસ્ટન્ટ, ટેક્સ ઇન્સ્પેક્ટર સહિતના અલગ-અલગ 306 કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
વર્ગ એકની 11 મહત્વની જગ્યાઓ ભરાશે
રાજ્ય સરકારે મંજૂર કરેલા મહેકમમાં વર્ગ એકની 11 મહત્વની જગ્યાઓ પણ ભરવામાં આવશે. જેમાં સિટી ઇજનેર (સિવિલ), એક મેડિકલ ઓફિસર, મ્યુનિસિપલ ચીફ ઓડિટર, મ્યુનિસિપલ સેક્રેટરી, બે મદદનીશ મ્યુનિસિપલ કમિશનર, બે એડિશનલ સિટી ઇજનેર, એક સિનિયર તબીબી અધિકારી, એક મૃતબળ કલ્યાણ અધિકારી અને એકાઉન્ટ પ્લાનરનો સમાવેશ થાય છે.
ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ સરકારે મહેકમ મંજૂર કર્યું હોવાની વાતને સમર્થન આપ્યું છે. તેમણે જણાવ્યું કે મંજૂર થયેલા 319ના મહેકમમાં આવક મુજબની જગ્યાઓ ભરવામાં આવશે અને મહેકમ ખર્ચ વધે નહીં તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. આગામી સમયમાં મહાપાલિકામાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી સંભાવનાઓ છે. આ ભરતીથી ગાંધીધામ મહાનગરપાલિકાની વહીવટી કાર્યક્ષમતામાં સુધારો થશે અને નાગરિકોને વધુ સારી સેવાઓ મળી રહેશે.