ગાંધીધામ: ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને સુંદર રાખવા માટે સ્વૈચ્છિક સંસ્થાઓને કરવામાં આવેલા આહ્વાનના ભાગરૂપે, અરાઇઝ ફાઉન્ડેશન તાજેતરમાં મહાનગરપાલિકાની સફાઈ ટીમ સાથે એક વિશેષ સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ.
આ સંયુક્ત પ્રયાસમાં, અરાઇઝ ફાઉન્ડેશન અને ગાંધીધામ મહાનગરપાલિકાની સફાઈ ટીમે ગાંધીધામમાં ગાયત્રી મંદિરથી લીલાશાહ સર્કલ સુધીના રસ્તા પરથી એકઠા થયેલા કચરા અને ગંદકીને સાફ કરવા માટે સાથે મળીને કામ કર્યું.
આ પ્રસંગે અરાઇઝ ફાઉન્ડેશનના સ્થાપક ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે, “જો તંત્ર સાચા મનથી કાર્ય કરશે, તો લોકો તેને જરૂર સહકાર આપશે. અમે ફક્ત વિરોધની રાજનીતિ નથી કરતા; જો સરકાર કામ કરશે તો તેને સહકાર પણ જરૂર મળશે. આ માટે અલગ અલગ વિસ્તારના લોકોએ અને સ્વૈચ્છિક સંસ્થાઓએ આગળ આવી, તંત્ર સાથે મળીને શહેરને સ્વચ્છ બનાવવાની મુહિમ આદરવી જરૂરી છે.” તેમણે વધુમાં કચરો ગમે ત્યાં ન ફેંકીને સહકાર આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.
આ સફાઈ અભિયાનમાં ગાંધીધામ મહાનગરપાલિકાની સફાઈ ટીમ સાથે અરાઇઝ ફાઉન્ડેશનના સ્થાપક ડો. કાયનાત અંસારી આથા, ચૈતાલી વસા, મીનાક્ષી ત્યાગી અને આશા અખાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.