ગાંધીધામ ટુડે, ન્યૂઝ : તાજેતરમાં તોલાણી આર્ટ્સ અને સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી સુશીલ ધર્માણી પર થયેલા હુમલાને લઈને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન (એલ્યુમની એસોસિએશન)એ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટને પત્ર લખીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. આ ઘટનાને શિક્ષણ જગત માટે અત્યંત શરમજનક ગણાવતા, એસોસિએશને આરોપીઓને જામીન ન મળે તેવી વિનંતી કરી છે.
પત્રમાં જણાવાયું છે કે, ૨૫ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ બપોરે ૨ વાગ્યે કોલેજના પ્રિન્સિપાલ પર નજીવી બાબતે ગુનાહિત ઈતિહાસ ધરાવતા વિદ્યાર્થીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાના વિરોધમાં કોલેજના હજારો વિદ્યાર્થીઓએ ધરણાં કરીને ચક્કાજામ કર્યો હતો અને આદિપુર પોલીસ સ્ટેશન સુધી રેલી કાઢીને પ્રિન્સિપાલને સમર્થન આપ્યું હતું.
પોલીસની પ્રશંસનીય કામગીરી, પણ કાર્યવાહી અધૂરી:
પત્રમાં આદિપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. સાહેબની કામગીરીની પ્રશંસા કરવામાં આવી છે, જેમણે માત્ર ૬ કલાકમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, એલ્યુમની એસોસિએશને આ પછીની કાર્યવાહી સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. પત્ર મુજબ, પોલીસ આરોપીઓને ઘટનાસ્થળે લઈ ગઈ હતી અને માત્ર એક આરોપીએ પ્રિન્સિપાલની સામે મૌખિક રીતે ‘સોરી’ કહીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. આ માત્ર ‘નામ પૂરતી’ કાર્યવાહીથી લોકોમાં અસંતોષની લાગણી જન્મી છે.

ગુનેગારો બેફામ બન્યા હોવાનો આક્ષેપ:
એલ્યુમની એસોસિએશને જણાવ્યું છે કે, આ ઘટના બાદ આરોપીઓ ૨૪ કલાકમાં જ જામીન પર છૂટી જાય તે યોગ્ય નથી. આ પ્રકારના બનાવોને કારણે પ્રોફેસરો અને વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ઊભું થયું છે. પત્રમાં વધુમાં જણાવાયું છે કે, જે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને લાફો માર્યો હતો, તે અગાઉ પણ કોલેજમાં ચપ્પુ જેવા હથિયાર સાથે પકડાયો હતો અને હિટ એન્ડ રનના કેસમાં પણ ગુનેગાર છે. આવા ગુનેગારોને કાયદાનો કોઈ ડર ન હોય તેવું તેમનું વર્તન દર્શાવે છે.
જામીન રદ્દ કરીને સરઘસ કાઢવાની માગ:
તોલાણી કોલેજના એલ્યુમની એસોસિએશનના પ્રમુખ મોહન ભાનુશાળી વતી રજૂઆત કરવામાં આવી છે કે આ ગુનેગારોને જામીન ન મળે. આ ઉપરાંત, તેમણે એક અનોખી માગ કરી છે: આરોપીઓને જે કોલેજમાં ગુનો કર્યો છે, તે જ કોલેજમાં તમામ વિદ્યાર્થીઓની સામે કાન પકડાવીને તેમનું સરઘસ કાઢવામાં આવે. એસોસિએશને આશા વ્યક્ત કરી છે કે આવી કડક કાર્યવાહીથી ગુનેગારોનો અહમ (ઈગો) ઘવાશે અને અન્ય વિદ્યાર્થીઓ તથા લોકો માટે તે એક બોધપાઠ બનશે, જેનાથી ગુનો કરતા પહેલા સો વાર વિચાર કરશે.