ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ પોલીસની સરાહનીય કાર્યવાહીમાં, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગંભીર ગુનાના આરોપી ઉમર ઉર્ફે શકીલ કારા કટીયા (ઉ.વ. 23, રહે. ખારીરોહર) ના જામીન રદ કરવામાં આવ્યા છે. તાજેતરમાં માનકુવા અને ભુજ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં નાસતા ફરતા આ આરોપી સામે ગાંધીધામમાં બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ પણ ગુના દાખલ થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ઉમર જામીન પર છૂટ્યા બાદ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સક્રિય થઈ ગયો હતો. તેણે અનેક ગુના આચર્યા હોવાથી જામીન હુકમ અને તેની શરતોનો ભંગ થયો હોવાનું સ્પષ્ટ થયું હતું. આથી, પોલીસે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી કોર્ટમાં રજૂઆત કરી તેના જામીન રદ કરાવ્યા છે.
આરોપી સામે માત્ર ગાંધીધામ બી ડિવિઝનમાં જ નહીં, પરંતુ ભુજ, માનકુવા, ભચાઉ અને કંડલા મરીન પોલીસ મથકમાં પણ લૂંટ અને અન્ય ગુનાઓની ફરિયાદો નોંધાઈ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ગળપાદર જેલ મોકલી આપ્યો છે. આ સમગ્ર કાર્યવાહી ગાંધીધામ બી ડિવિઝનના પીઆઈ એસ.વી. ગોજીયા, પીએસઆઈ એલ.એન. વાઢીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રકારની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં કાયદાનો ડર વધશે અને સમાજમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.