ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસે ગેરકાયદેસર રીતે ભારતમાં વસવાટ કરી રહેલા બાંગ્લાદેશી નાગરિકો સામે એક વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. સ્થાનિક ગુના શાખા (એલસીબી), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) અને જિલ્લા પોલીસની ટીમોએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું.
આ સંયુક્ત કાર્યવાહી દરમિયાન, મેઘપર બોરીચી વિસ્તારમાં આવેલા બ્લેક બુદ્ધા સ્પા અને બ્લેક રોઝ સ્પામાંથી છ બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી હતી. આ મહિલાઓની તપાસ કરતાં તેમની પાસેથી ભારતના બનાવટી આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ મળી આવ્યા હતા.
પોલીસે પકડેલી મહિલાઓની ઓળખ સર્મિન (ઉં.વ. ૨૮), લીમા (ઉં.વ. ૨૪), પરવીના (ઉં.વ. ૩૦), આસ્મા (ઉં.વ. ૨૭), સબિના બેગમ (ઉં.વ. ૨૯) અને જહાનારા ઉર્ફે જાત (ઉં.વ. ૩૫) તરીકે થઈ છે. સર્મિન નામની મહિલા સાથે એક બાળક પણ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ મહિલાઓ બાંગ્લાદેશના જસોર, સાનસીરા, તાંગેલ અને ચટગામ જિલ્લાની રહેવાસી છે.
સબિના બેગમ પાસેથી બાંગ્લાદેશ સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલું રાષ્ટ્રીય ઓળખ કાર્ડ પણ મળી આવ્યું છે, જ્યારે જહાનારા પાસેથી એક બનાવટી પાનકાર્ડ મળી આવ્યું છે. પોલીસે આ તમામ મહિલાઓને તેમના વતન બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
- પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જો તેમને કોઈ પણ બાંગ્લાદેશી અથવા પાકિસ્તાની નાગરિક શંકાસ્પદ રીતે દેખાય તો તાત્કાલિક પોલીસને 63596 26845 પર જાણ કરે. (માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે)