ગાંધીધામ ટુડે ન્યુઝ : ગુજરાતમાં તાજેતરમાં વકીલ અને પોલીસ વચ્ચે થયેલા અથડામણના બનાવો બાદ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન શ્રી જે.જે. પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી મુલાકાત માટે સમય માંગ્યો છે. તેમણે જણાવ્યું કે, વકીલોના હકો અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓને મુખ્યમંત્રીએ ગંભીરતાથી જોવા જોઈએ.
તેમના જણાવ્યા મુજબ, વકીલો પર દબાણ અને કોર્ટમાં પ્રવેશ ન આપવાના બનાવો વકીલત્વના મૂળભૂત હકોના ઉલ્લંઘન સમાન છે.

ડેડીયાપાડા કેસ બાદ તણાવ વધ્યો
This Article Includes
તાજેતરમાં ડેડીયાપાડામાં ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ દરમિયાન વકીલોને કોર્ટ રૂમ સુધી પહોંચવાની પણ મંજૂરી ન આપવામાં આવી. આ ઘટનામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને વકીલ ગોપાલ ઇટાલીયાને પણ કોર્ટમાં જવા રોકવામાં આવ્યા હતા.
આ મુદ્દે એડવોકેટ પુનિત જૂનેજાએ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને પત્ર લખીને નર્મદા જિલ્લાના SP સામે ક્રિમિનલ કન્ટેમ્પ્ટ દાખલ કરવાની માંગ કરી છે.
તેમણે લખ્યું છે કે, “વકીલ પોતાના અસીલની પેરવી માટે કોર્ટમાં જવાનો અધિકાર ધરાવે છે અને કોઈ પણ પોલીસ અધિકારી તેમને રોકી શકતો નથી. આ ઘટના બંધારણ અને એડવોકેટ એક્ટના વ્યાખ્યાયિત અધિકારોનો ઉલ્લંઘન છે.”

હાઈકોર્ટ બહાર પણ સતત પોલીસ બંદોબસ્ત પ્રશ્નચિહ્ન
એક અન્ય ઘટનામાં ચંડોળા તળાવ ડિમોલિશન કેસ દરમિયાન પણ હાઈકોર્ટ બહાર પોલીસ તૈનાત કરાઈ હતી અને મિડિયા રિપોર્ટરોને પણ કોર્ટ રૂમમાં પ્રવેશ ન આપ્યો હતો.
આંદોલન શક્યતાને નકારી શકાય નહીં
વકીલ વર્ગમાં અસંતોષનું માહોલ જોવા મળી રહ્યો છે અને જો સરકાર તરફથી યોગ્ય સંવાદ ન થાય તો આગામી સમયમાં આંદોલન અથવા કાયદાકીય કાર્યવાહી માટે વકીલ સંઘો આગળ વધી શકે છે.