ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આદિપુરના યુવાન ભાવેશ બી. રોયડાએ ભારતીય વન સેવા (IFS) પરીક્ષા 2024માં ઓલ ઇન્ડિયા રેન્ક 86 મેળવીને માત્ર પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમગ્ર સિંધી સમાજ અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ભાવેશ આ સિદ્ધિ મેળવનાર પ્રથમ સિંધી યુવાન બન્યો છે, જે એક ઐતિહાસિક પળ છે.
ભાવેશ રોયડાની આ સફળતા અનેક યુવાનો માટે પ્રેરણાદાયી છે. સિંધી સમાજમાંથી કોઈ યુવાન ફોરેસ્ટ ઓફિસર બન્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે, જે સમાજ માટે ગર્વની વાત છે. ભાવેશની આ સિદ્ધિ સિંધી સમાજમાં શિક્ષણ અને સરકારી સેવાઓમાં જોડાવા માટે વધુ ઉત્સાહ જગાવશે તેવી આશા છે.
વર્ષ 2024ની ભારતીય વન સેવા પરીક્ષામાં સમગ્ર ભારતમાંથી કુલ 6 ગુજરાતીઓએ ફોરેસ્ટ ઓફિસર તરીકે સ્થાન મેળવ્યું છે, જેમાં ભાવેશ રોયડા પણ સામેલ છે. આ ગુજરાત માટે પણ ગૌરવની વાત છે કે રાજ્યના યુવાનો રાષ્ટ્રીય સ્તરે આવી પ્રતિષ્ઠિત સેવાઓમાં જોડાઈ રહ્યા છે.
ભાવેશ બી. રોયડા આદિપુરમાં એસડીબી-140, મહાત્મા સમાધિ નજીક રહે છે. તેની આ સફળતા બદલ તેના પરિવારજનો અને મિત્રવર્તુળમાં ખુશીનો માહોલ છવાયો છે. ભાવેશને તેની આ સિદ્ધિ બદલ ચારેય બાજુથી શુભેચ્છાઓ મળી રહી છે.
ભાવેશે પોતાની મહેનત અને લગનથી આ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે. તેની આ સિદ્ધિ અનેક યુવાનોને સરકારી સેવાઓમાં જોડાઈને દેશ સેવા કરવા માટે પ્રેરણા આપશે.