ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હનીટ્રેપ કેસમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચએ મોટી સફળતા મેળવી છે. પોલીસે વડોદરાથી બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસે હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી શહેનાઝ ઉર્ફે મુસ્કાન મહમ્મદ નોડે અને મહમ્મદ ઉર્ફે મામદ ઇસ્માઇલ નોડેની ધરપકડ કરી છે. બંને આરોપીઓ મૂળ
ગાંધીધામના કિડાણામાં આવેલી જગદંબા સોસાયટીના રહેવાસી છે અને હાલમાં વડોદરામાં રહેતા હતા.
હનીટ્રેપમાં ફસાવી 22 લાખની છેતરપિંડી
આરોપીઓએ ફરિયાદીને ધમકાવીને કેસ પતાવવા માટે રૂ. 19 લાખની માંગણી કરી હતી. વધુમાં, અબ્દુલ હમીદ સમા અને સરફરાજ રઝાક ખાટકીએ પોલીસ તરીકે ખોટી ઓળખ આપી વધુ રૂ. 3 લાખ પડાવ્યા હતા. આમ, કુલ રૂ. 22 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી.
પોલીસે બાતમી અને ટેક્નિકલ સર્વેલન્સથી પકડ્યા
ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પીઆઇ એસ.એન. ચુડાસમા અને પીએસઆઇ એચ.આર. જેઠીના માર્ગદર્શન હેઠળ આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે વડોદરાથી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આખો બનાવ શું છે?
કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં હિલગાર્ડન પાસે હનીટ્રેપનો ચકચારી બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં યુવકને બ્લેકમેલ કરીને રૂ. 22 લાખ ખંખેરવામાં આવ્યા હોવાનો ગુનો ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો હતો. આ મામલે યુવતી સહિત કુલ પાંચ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાંથી ત્રણ શખસની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે મુખ્ય આરોપી યુવતી સહિત બેની શોધખોળ ચાલતી હતી.
સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા
ભુજના રહેવાસી મહેબૂબ શબ્બીર ખાટકીની ફરિયાદ અનુસાર, આદિપુરની રહેવાસી યુવતી મુસ્કાનએ સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) મારફતે સંપર્ક સાધી તેને મોહજાળમાં ફસાવ્યો હતો. ત્યારબાદ, ભુજમાં મળીને ચા-નાસ્તો કર્યા બાદ હિલગાર્ડન પાસે લઈ જઈ, કાવતરામાં સામેલ નગરસેવક અબ્દુલ હમીદ સમાએ તેની સાથેની તસવીરો ખેંચી હતી. આ તસવીરોનો ઉપયોગ કરીને યુવકના ભાઈ સરફરાઝ રઝાક ખાટકીને અન્ય આરોપીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યો હતો.
કેવી રીતે રૂ. 22 લાખ ખંખેરી લીધા હતા?
આ કાવતરામાં યુવતીના ખોટા પતિ તરીકે મામદ નોડેને રજૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ધમકાવીને રૂ. 19 લાખ પડાવ્યા ગયા હતા. ત્યારબાદ, ખોટી પોલીસ ફરિયાદના નામે વધુ 3 લાખ ખંખેરવામાં આવ્યા હતા. આ કાવતરામાં મુન્દ્રાના કોંગી અગ્રણી હરિસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે, જે ખોટી ઓળખ આપી પોલીસ તરીકે ધમકી આપતો હતો.
પોલીસે અગાઉ 3ની અટકાયત કરી હતી
ભુજના નગરસેવક અબ્દુલ હમીદ સમા, સરફરાઝ ખાટકી અને હરિસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી હતી. જ્યારે મુખ્ય આરોપી યુવતી મુસ્કાનની શોધખોળ ચાલુ હતી. આ ઘટના 17 નવેમ્બર 2024થી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન બની હતી, જે અંગેની ફરિયાદ 17મી માર્ચે રાત્રે નોંધાઈ હતી.
આવા કિસ્સામાં પોલીસની મદદ લેવા સલાહ
પોલીસવડા વિકાસ સુડાએ જણાવ્યું કે આ પ્રકારના કિસ્સાઓમાં ગભરાવવાના બદલે તાત્કાલિક પોલીસની મદદ લેવી જોઈએ.