ગાંધીધામ ટુડે, ન્યૂઝ ઃ ગાંધીધામ આદિપુરના મુખ્ય માર્ગોને તેની ઓળખ મળી રહે તે માટે વર્ષો પછી મહાનગરપાલિકા બન્યા બાદ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલથી લઈને ચાવલા ચોક સુધીમાં ૫૪ દુકાનદારો દ્વારા આર્કેડમાં કરવામાં આવેલા દબાણો સમય મર્યાદાની અંદર સ્વેચ્છાએ હટાવવા માટેની નોટિસ આપવામાં આવી છે. વેપારીઓ ખુદ દબાણ દૂર નહીં કરે તો મહાનગરપાલિકા દ્વારા બુલડોઝરથી કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
ગાંધીધા્મ મહાનગરપાલિકા એક્શન મોડમાં શહેરના દબાણો દુર કરી રહી છે પણ દબાણો બાદ શહેરની જુની જે સમસ્યાઓ છે તેને ભુલતા નહીં, આજે પણ પહેલાની જેમ પીવાના પાણીમાં ગટરના મીશ્ર પાણી આવી રહ્યા છે. દબાણોના મુદ્દા તો આપ દ્વારા દુર કરી નાખવામાં આવશે તે તો દેખાય છે સાથે આશા રાખીએ છીએ કે શહેરના ગંદકી પણ આપ આવી જ રીતે દુર કરશો.
ઉલ્લેખનીય છે કે, ગાંધીધામ આદિપુર જાેડિયા શહેરોમાં દબાણોનો અજગરી ભરડો છે. તત્કાલીન સમયની નગરપાલિકાએ આડેધડ થયેલા દબાણ ઉપર કોઈ કાર્યવાહી કરી નથી. ભારતનગર સહિતના વિસ્તારોમાં તો આપાતકાલીન પરિસ્થિતિમાં ફાયર ફાઈટર પણ થઈ શકે તેમ નથી, એ હદે દબાણો થઈ ગયા છે.
તો ગાંધીધામની મુખ્ય બજારમાં તો આર્કેડ પણ દબાવી દેવામાં આવી છે. પણ નગરપાલિકા એ ક્યારે કાર્યવાહી કરી નથી, હવે મહાનગરપાલિકા બની છે એટલા માટે શહેરને દબાણ મુક્ત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, આદિપુરમાં આખો માર્ગ ખુલ્લો કરાવ્યો છે ત્યાર પછી રામબાગ રોડ ઉપર નોટિસો આપવામાં આવી છે. સુંદરપુરી રોડ ઉપર નોટિસો આપવામાં આવી છે અને ત્યાં સ્વેચ્છાએ દબાણનો હટે છે.
મહાનગરપાલિકા દ્વારા હવે આર્કેડના દબાણો હટાવવા માટે કાર્યવાહી થઈ રહી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સર્કલ થી લઈને ચાવલાચોક સુધીમાં ૫૪ દુકાનદારોને નોટિસો આપીને આર્કેડમાં કરેલા દબાણો સ્વેચ્છાએ દૂર કરવા માટે કહ્યું છે. સમય મર્યાદા ની અંદર દબાણો દૂર કરવામાં નહીં આવે તો પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી સંભવ છે.
તો બીજી બાજુ, આદિપુરમાં ગટર મિશ્રિત પાણી વિતરણ કરાતુ હોવાની રાવ ઉઠવા પામી છે. ગાંધીધામ સંકુલના વિવિધ સ્થળોએ વર્ષો જુની ગટર લાઈનો થોડા-થોડા દિવસે તુટતી હોવાનું જાેવા મળે છે. ઉભરાતી ગટરની સમસ્યા કાયમી બની છે. આ દૂષિત પાણી પેયજળ સાથે મિશ્રિત થઈ જવા સાથે લોકોને દૂષિત પાણી વિતરણ કરવામાં આવે છે. આદિપુર સિંધુ વર્ષા ૪/એમાં મકાન નં.૧૦૧થી ૧૩ર સુધી છેલ્લા ૩ મહિનાથી ગટર મિશ્રિત પાણી આવી રહ્યું છે. આ અંગે અનેક રજુઆતો કરવા છતા મહાનગરપાલિકાના સત્તાધીશો નિંદ્રાધીન થઈ ગયા હોવાનો રોષ રહેવાસીઓ દ્વારા વ્યક્ત કરાયો હતો.