દેશભરમાં 24-25 માર્ચના રોજ બેંક બંધ રહેશે

દેશભરમાં 24-25 માર્ચના રોજ બેંક બંધ રહેશે દેશભરમાં 24-25 માર્ચના રોજ બેંક બંધ રહેશે

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાત સહિત દેશભરની બેન્કના કર્મચારીઓ દ્વારા પોતાની વિવિધ માગણીઓને લઈને રજૂઆતો કરવામાં આવી છે. એમ છતાં તેમની માગણીઓનો સંતોષકારક ઉત્તર ન મળતાં આગામી 24 અને 25 માર્ચના રોજ ગુજરાત સહિત દેશભરની પબ્લિક સેક્ટર બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઊતરશે, એટલે કે 24 અને 25 માર્ચના રોજ બેન્ક સેવાઓ ઠપ રહેશે. પબ્લિક સેક્ટર બેન્ક સહિત કેટલીક પ્રાઇવેટ બેન્ક સેવાઓ પણ બંધ રહેતાં 20,000 કરોડ રૂપિયાના ધંધાને અસર થશે. સતત બે દિવસ સુધી બેન્ક ટ્રાન્ઝેક્શન બંધ રહેતાં અનેક નાના- મોટા ધંધાને નુકસાન થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે 22 માર્ચના રોજ ચોથો શનિવાર હોવાથી અનેક બેન્ક કાર્યરત હોતી નથી તથા 23 માર્ચના રોજ રવિવાર અને ત્યાર બાદ 24 અને 25 માર્ચના રોજ હડતાળને કારણે સતત ચાર દિવસ બેન્કિંગ સેવા બંધ રહેતાં નાના-મોટા વેપારીઓ સહિત સામાન્ય લોકોને પણ અસરો થશે.

યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ (UFBU)ના જણાવ્યા પ્રમાણે 24 અને 25 માર્ચના રોજ તેમની દેશભરમાં હડતાળ રહેશે, જેના કારણે આ બંને તારીખમાં બેંક બંધ રહેશે. UFBUએ કહ્યું હતું કે કર્મચારી સંગઠનની મુખ્ય માગ પર ભારતીય બેંક સંઘ (IBA) સાથે વાતચીતમાં કોઈ પોઝિટિવ રિઝલ્ટ મળી શક્યું નથી. IBA સાથે મિટિંગમાં UFBUના સભ્યોએ બધા કેડર્સમાં ભરતી અને 5 ડે વર્ક વીક સહિત અનેક મુદ્દા ઉઠાવ્યા.

નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોયીઝ (NCBE)ના જનરલ સેક્રેટરી એલ. ચંદ્રશેખરે જણાવ્યું હતું કે બેઠક છતાં મુખ્ય મુદ્દાઓ વણઉકેલાયેલા રહે છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે 9 બેંક-કર્મચારી યુનિયનોનું છત્ર સંગઠન છે. UFBUએ અગાઉ પણ હડતાળની જાહેરાત કરી હતી. આ માગણીઓમાં જાહેર ક્ષેત્રની બેંકોમાં કર્મચારીઓ અને અધિકારી ડિરેક્ટરની જગ્યાઓ ભરવાનો પણ સમાવેશ થાય છે.

યુનિયની માગમાં શું-શું સામેલ છે
જાહેર ક્ષેત્રની બેંકોમાં કામદારો અને અધિકારી નિર્દેશકોની જગ્યાઓ ભરવામાં આવે એવી મુખ્ય માગ હતી. યુએફબીયુ દ્વારા જાહેર ક્ષેત્રની બેંકોના માઇક્રો મેનેજમેન્ટનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત અન્ય માગણીઓમાં આઇબીએ સાથેના બાકી રહેલા મુદ્દાઓને ઉકેલવા અને ગ્રેચ્યુઈટી એક્ટમાં સુધારો કરીને મર્યાદા વધારીને રૂ.25 લાખ કરવી, એને સરકારી કર્મચારીઓ માટેની યોજના સાથે જોડવી અને આવકવેરામાંથી મુક્તિ મેળવવાનો સમાવેશ થાય છે.

કઈ કઈ બેન્કની સેવાઓ નહીં મળે
આગામી 24 અને 25 માર્ચના રોજ બેન્ક હડતાળને કારણે ગુજરાતમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક, યુકો બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)માં સંપૂર્ણપણે હડતાળ રહેશે. નેશનલાઇઝ બેન્ક અને SBI મળીને કુલ 4,952 બેન્ક બ્રાન્ચ 48 કલાક માટે બંધ રહેશે. પબ્લિક સેક્ટર બેન્ક સાથે કેટલીક પ્રાઇવેટ સેક્ટર બેન્ક, જેમ કે ફેડરલ બેન્કની 65 બ્રાન્ચ કરુર વ્યસ્યાની પાંચ બ્રાંચમાં પણ હડતાળ રહેશે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *