ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ધોળા દિવસે મકાનોને નિશાન બનાવી ઘરફોડ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગને પકડી પાડવામાં અંજાર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે રાજસ્થાનની બાવરી ગેંગના ચાર સભ્યોને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડીને છ જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા, પોલીસ અધિક્ષક સાગર બાગમાર અને નાયબ પોલીસ અધિક્ષક એમ.પી.ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. પ્રો. આઈ.પી.એસ વિકાસ યાદવના માર્ગદર્શનમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.ગોહિલે તાત્કાલિક પાંચેક ઘરફોડના ગુનાઓને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી હતી.
પોલીસની અલગ અલગ ટીમો પેટ્રોલિંગમાં હતી દરમિયાન હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે લુણંગનગરમાં થયેલ ચોરીના આરોપીઓ ચોરીના મુદ્દામાલ સાથે રેલ્વે સ્ટેશન પાસે ખુલ્લા મેદાનમાં હાજર છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે ચાર ઈસમોને પકડી પાડ્યા હતા. તેમની પાસેના થેલા તપાસતા તેમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ અલગ અલગ પાંચ જગ્યાએ દિવસ દરમિયાન બંધ મકાનોના તાળા તોડી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત એક સેમસંગનો મોબાઈલ ફોન ભચાઉથી ચોર્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

પોલીસે આ ગુનામાં વિક્કી પપ્પુ બાવરી, ભાગીરથ તીરથ બાવરી અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરને પકડ્યા છે. પોલીસે તેમની પાસેથી સોનાનો પેન્ડલ સાથે ચેઈન, નાકમાં પહેરવાના દાણા, વીંટીઓ, ગળાનો હાર, કાનની બુટ્ટીઓ, ઓમ, ગણપતિવાળું પેન્ડલ, પાંચ ચાંદીના સાકળા, હાથના કડા, પગની પાયલ, ચાંદીની ગાય, સેમસંગ એસ ૨૩ અલ્ટ્રા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા ૪૮ હજાર સહિતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. અંજાર પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે.
આ કામગીરીમાં પ્રો.આઈ.પી.એસ વિકાસ યાદવ, અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ગોહિલ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.જી.વાળા તથા સી.એમ.ચૌધરી તથા અંજાર પોલીસ સ્ટાફ જાેડાયો હતો.
આ રીતે આપતા હતા ચોરીઓને અંજામ
આરોપીઓ રાજસ્થાનથી આવી અલગ અલગ શહેરની શેરી સોસાયટીમાં દિવસ દરમિયાન ભંગાર એકઠો કરવાના અને ફુલ વહેચવાના બહાના હેઠળ, સોસાયટીમાં પ્રવેશ કરી શેરી સોસાયટીના બંધ મકાનની રેકી કરી બંધ મકાન આગળ એક વ્યક્તિ પહેરો ભરે તેમજ એકથી બે વ્યક્તિઓ મકાનની અંદર પ્રવેશ કરી મકાનનાં દરવાજાનું તાળુ તોડી કીમતી મુદામાલની ચોરી કરતા હતા.