આઈ.એસ.આઈના માર્કા વિના ટીન કન્ટેનરનું ઉત્પાદન કરાતુ હોવાથી કરાઈ કાર્યવાહી
ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ કચ્છમાં આવેલા અમુક એકમો દ્વારા લોકોને છેતરવાના ઇરાદાથી આઇ.એસ.આઇ.ના માર્કા વિના વસ્તુઓનું નિર્માણ કરી તેને લોકોને પધરાવી દેવામાં આવે છે, જે અંગે ગાંધીધામના ભારતીય માનક બ્યૂરો (બી.આઇ.એસ.)ને જાણ થતાં ગાંધીધામ, ભચાઉ, ભીમાસર, મીઠીરોહરમાં આવેલી કચ્છ પેકેજિંગ, પારસ એન્ટરપ્રાઇઝ, યશ પેકેજિંગ તથા પતંજલિ ફૂડસ નામનાં એકમમાં દરોડા પાડયા હતા. આ કંપનીઓમાં આઇ.એસ.આઇ. માર્કા વગરના ટીન કન્ટેનરનું ઉત્પાદન કરાતું હતું, જે બી.આઇ.એસ.એ જપ્ત કર્યું હતું.
આવા ટીન કન્ટેનરનું વેચાણ, પ્રદર્શન, પ્રસ્તાવ કરવાવાળા લોકો વિરુદ્ધ ગુણવત્તા નિયંત્રણ આદેશના ઉલ્લંઘન બદલ કાર્યવાહી કરવામાં આવશે. આવા ગુના બદલ સંચાલકોને બે વર્ષની સજા અથવા ઓછામાં ઓછા રૂા.બે લાખ સુધીનો દંડ અથવા બંને સજા સાથે થઇ શકે છે, તેવું બી.આઇ.એસ.એ જણાવ્યું હતું. બી.આઇ.એસ. દ્વારા આગામી સમયમાં પણ આવી કાર્યવાહી ચાલુ રખાશે. આ ચારેય કંપનીના સંચાલકો સામે કોર્ટમાં કેસ કરી સુનાવણી બાદ ર્નિણય લેવામાં આવશે, તેવું બી.આઇ.એસ.ના સૂત્રોએ જણાવ્યું હતું.