ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ભુજમાં નકલી ઘી ઝડપાયાના બનાવ બાદ હવે કચ્છના રાપર તાલુકાના ચિત્રોડ ગામે ડુપ્લીકેટ કોલગેટ ટૂથપેસ્ટ બનાવતી એક મિની ફેક્ટરીનો ગાગોદર પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાગોદર પોલીસ ઇન્સ્પેક્ટર (પીઆઇ) વી.એ. સેગલ અને તેમના સ્ટાફે બાતમીના આધારે કાર્યવાહી કરી રૂ. 9,43,574ની કિંમતનો માલસામાન જપ્ત કર્યો છે. આ સમગ્ર ઘટનાએ કચ્છમાં નકલી અને ભેળસેળયુક્ત ચીજવસ્તુઓના વેપાર પર ગંભીર ચિંતા ઊભી કરી છે.

બાતમીના આધારે દરોડો, બે શખ્સો ઝડપાયા: પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે, ગત તા. 2/10ના રોજ ચિત્રોડ ગામે સરકારી દવાખાનાની બાજુમાં આવેલા મુકેશ રણછોડ મણોદરા (પટેલ)ના 10 શટરવાળાં શોપિંગ સેન્ટરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ શોપિંગ સેન્ટરમાં ‘રવેચી લાઈટ ડેકોરેશન’ના પ્રથમ રૂમમાં ગેરકાયદેસર રીતે કોલગેટ પામોલીવ કંપનીના પરવાના વિના ડુપ્લીકેટ ટૂથપેસ્ટનું ઉત્પાદન ચાલી રહ્યું હતું.
પોલીસે ઘટનાસ્થળેથી રાજેશ ડાયાભાઈ મકવાણા (રાજપૂત) અને સુરેશ મહેશભાઇ ઉમટ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. જો કે, આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા નટવર અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરૂ ડાયાભાઈ મકવાણા (તમામ રહે. નલિયાટીંબા, તા. રાપર) પોલીસના હાથે લાગ્યા નહોતા અને તેઓ હજુ પણ ફરાર છે.
જંગી માત્રામાં મુદ્દામાલ કબજે: પોલીસે જે સ્થળે દરોડો પાડ્યો હતો ત્યાંથી જુદી-જુદી મશીનરી લગાવીને નકલી કોલગેટ પામોલીન કંપનીની ટૂથપેસ્ટ બનાવવામાં આવતી હતી. પોલીસે અહીંથી પેકેજિંગ મશીન, હોટ પાવર ગન, એસ્ટ્રલ વેટરા ઈન્સ્ટ નંગ-6, વાદળી રંગના 50 કિલોના 14 ડ્રમ, ખાખી રંગના 24 કાર્ટૂન બોક્સ, કોલગેટ જેવી ક્રિમ ભરવાના ખાલી ટયુબના 765 ખોખાં, ટયુબ ભરવાના લાલ-વાદળી રંગના પ્રિન્ટેડ કાગળના બોક્સના ચાર કાર્ટૂન, લાલ-વાદળી રંગના ટયુબના બાંધા નંગ-162, સફેદ ક્રીમ જેવી કોલગેટ ભરેલ ટયુબનો ઢગલો નંગ 6150, સાત કિલો પારદર્શક પ્લાસ્ટિક, ટયુબ પર લગાવવાના લાલ રંગના ઢાંકણા 12 કિલો, પ્લાસ્ટિકના 11 બોક્સ, ખાખી રંગના 10 વગેરે મળીને કુલ રૂ. 9,43,574નો માતબર મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
કંપનીએ કરી ડુપ્લીકેટ હોવાની પુષ્ટિ, ગુનો દાખલ: ઝડપાયેલા મુદ્દામાલ અંગે ગાગોદર પોલીસે કોલગેટ કંપનીને જાણ કરતા મુંબઈ ખાતેથી કંપનીના કર્મચારી લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્માએ ચિત્રોડની મુલાકાત લીધી હતી. કંપનીના પ્રતિનિધિએ જપ્ત કરાયેલ ટૂથપેસ્ટ ડુપ્લીકેટ હોવાની સત્તાવાર પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ કંપનીનો પ્લાન્ટ સાણંદ-છારોડી સિવાય અન્ય ક્યાંય નથી.
આ મામલે લક્ષ્મણ ચોલાઈ વિશ્વકર્માએ ગાગોદર પોલીસ સ્ટેશનમાં રાજેશ ડાયાભાઈ મકવાણા, સુરેશ મહેશભાઇ ઉમટ, નટવર અજાભાઈ ગોહિલ અને નરપત ઉર્ફે નરૂ ડાયાભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓ સામે કોલગેટ પામોલીન કંપનીના પરવાના વગર ઉત્પાદન કરવા બદલ, કોપીરાઇટ એક્ટનો ભંગ કરવા બદલ, તેમજ માનવ શરીરને નુકસાનકારક વસ્તુઓનું વેચાણ અર્થે ઉત્પાદન કરી છેતરપિંડી આચરવા બદલ બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) તથા કોપીરાઇટ એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ શખ્સો કેટલા સમયથી આ મિની ફેક્ટરી ચલાવી રહ્યા હતા અને ક્યાં ક્યાં આ નકલી ટૂથપેસ્ટનો પુરવઠો પહોંચાડતા હતા તે જાણવા માટે ગાગોદર પોલીસે ફરાર આરોપીઓને પકડવા અને કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.