ગાંધીધામ ટુડે, ન્યૂઝ : વડોદરાના ધનોરા પાસે આવેલા GIPCL કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા દોડધામ મચી છે. કંપનીને બોમ્બથી ઉડાવવાની ધમકીભર્યો ઇમેઇલ મળ્યો છે. પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ કંપની પર પહોંચી સર્ચ શરૂ કર્યું છે.
કંપનીના MDને ચેન્નાઈથી સિંધુ જા શ્રીનિવાસન નામથી ધમકીભર્યો ઇમેઇલ આવ્યો હોવાની માહિતી છે. આ અંગે કંપનીના એચ આર ડિપાર્ટમેન્ટને ઇ મેઇલ મળતા પોલીસ કમિશનર ઓફિસે જાણ કરી હતી. પોલીસને જાણ કરાતા હાલ બોમ્બ સ્ક્વોડ, એસઓજી, ડીસીપી, લોકલ પોલીસ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી સર્ચ હાથ ધર્યું છે. હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. હાલ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે ડીસીપી જે સી કોઠિયાએ જણાવ્યું હતું કે, જે મેઇલ મળ્યો છે તે જી આઈ પી સી એલ ના એમડીને મળ્યો છે. મેલની અંદર બોમ્બ મૂક્યો હોવાની માહિતી દર્શાવવામાં આવી છે. આ અંગેની પોલીસની જાણ થતાં એસઓજી, બીડીડીએસની ટીમ, લોકલ ટીમ, ડીસીપી ક્રાઈમ, એસઓજી ટીમ સહિતની ટીમો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે. પરંતુ હાલ સુધીમાં કોઈ વાંધાજનક વસ્તુ મળેલ નથી. આ મેઇલ ક્યાંથી આવ્યો છે તે શોધવાનું કામ ચાલી રહ્યું છે.