ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર શહેરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અરુણાબેન નટુભાઈ જાદવની તેમના જ બોયફ્રેન્ડ દ્વારા ગળું દબાવીને હત્યા કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટના ગઈ મોડી રાત્રે અંજારની ગંગોત્રી સોસાયટી-2 માં અરુણાબેનના નિવાસસ્થાને બની હતી.
મળતી માહિતી મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની અરુણાબેન અને તેમના પુરુષ મિત્ર દિલીપ ડાંગચીયા વચ્ચે કોઈ પારિવારિક બાબતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે દિલીપે ગુસ્સો ગુમાવી અરુણાબેનનું ગળું દબાવી દીધું, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.
CRPF જવાન દ્વારા હત્યા અને આત્મસમર્પણ
આરોપી દિલીપ ડાંગચીયા પણ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં ફરજ બજાવે છે અને હાલ મણિપુરમાં તેનું પોસ્ટિંગ છે. આશ્ચર્યજનક રીતે, અરુણાબેનની હત્યા કર્યા બાદ દિલીપ પોતે જ અંજાર પોલીસ મથકે હાજર થઈ ગયો હતો અને ગુનાની કબૂલાત કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે દિલીપ અને અરુણાબેન લાંબા સમયથી પ્રેમસંબંધમાં હતા અને લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા હતા. ગત રાત્રે ઝઘડા દરમિયાન, અરુણાબેને દિલીપની માતા વિશે અપમાનજનક શબ્દો ઉચ્ચારતા દિલીપે આવેશમાં આવીને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘટનાની જાણ થતા જ અંજાર પીઆઈ એ.આર. ગોહિલ સહિત પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સુરક્ષા દળોમાં પણ ચિંતાનો માહોલ પેદા કર્યો છે.