ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં હાલ રાજ્યના પોલીસવડા વિકાસ સહાયના આદેશ બાદ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીસીટરો ઉપર પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અન્યવે કચ્છ જિલ્લામાં પણ નામચીન શખ્સો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આજે રાપરમાં પણ ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે.

રાપર પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી માહિતી મુજબ મહેશ ઉર્ફે મેસુ કરશનભાઈ ભુત, અશ્વિન કરશનભાઈ ભુત, કિશોર ઉર્ફે કિશુ કરશનભાઈ ભુત અને કરશન જગાભાઈ ભુત(રહે.તમામ ગેલીવાડી, તા.રાપર) નામના ઈસમો વિરૂધ્ધ વિવિધ ગુનો દાખલ છે, ત્યારે રાપર ખાતે ટ્રા. સર્વે ૧૦૪૭/પૈકી વાળી જમીન ઉપર ગેરકાયદે કબ્જાે જમાવી બનાવાયેલી તેમની પાકી દુકાનો તેમજ વરંડો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો ગુનાહિત ઇતિહાસ ધરાવતા રમેશ કુંભા રાકાણી(નીલપર, તા.રાપર)એ નીલપર ખાતે સરકારી ટ્રા. સર્વે નં. ૩૪૭/પૈકી ૮ વાળી જમીન ઉપર ગેરકાયદે કબ્જાે જમાવી બનાવાયેલી હોટલ તેમજ દુકાનો પોલીસ બંદોબસ્ત હેઠળ દુર કરવામાં આવી હતી.

