ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 22 મે, 2025 થી 05 જૂન, 2025 દરમિયાન “ગ્લોબલી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત” અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને સંગ્રહ પર પ્રતિબંધ મૂકવા અંગે સમયાંતરે જાહેરખબરો આપવામાં આવી રહી છે.

આ અભિયાનના ભાગરૂપે, ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર શ્રી મેહુલ દેસાઈની સૂચના અનુસાર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા આજે, 30 મે, 2025 ના રોજ, પ્લાસ્ટિકનું વેચાણ કરતા પાંચ દુકાનદારો – 1. રાજ પ્લાસ્ટિક, 2. મહાદેવ એસેન્સીયલ એજન્સી, 3. મૈત્રી મા પ્લાસ્ટિક, 4. જોગીરાજ પ્લાસ્ટિક અને 5. રમેશ પ્લાસ્ટિક હોલસેલરો – પાસેથી આશરે 36 કિલો પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ₹5500 નો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.

આ કામગીરીમાં ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેનિટરી ઈન્સ્પેક્ટર કરણ ધુઆ, સિટી મેનેજર (SWM) નિર્ભય ગઢવી, સિટી મેનેજર (IT) સચિન પીપરાણી, હેલ્થ સેનિટરી ઈન્સ્પેક્ટર ઉમેશ સોલંકી તથા દબાણ શાખાના લક્ષ્મણ મહેશ્વરી અને સેનિટેશન વિભાગના સ્ટાફ જોડાયા હતા.

કોર્પોરેશને તમામ દુકાનદારો અને જાહેર જનતાને અપીલ કરી છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે. જેમાં પ્લાસ્ટિકના ગ્લાસ, પ્લાસ્ટિકની ચમચીઓ, થર્મોકોલની પ્લેટો અને કપ, તેમજ 120 માઈક્રોનથી ઓછી જાડાઈવાળા રંગીન પ્લાસ્ટિકના ઝબલા (થેલીઓ) જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ વસ્તુઓ પ્રતિબંધિત હોવાથી દુકાનદારોએ તેનો સંગ્રહ કે વેચાણ કરવું નહીં. જાહેર જનતાને પણ આવા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ અભિયાનને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે.