ગાંધીધામ ટુડે, ન્યુઝ ઃ ભચાઉ તાલુકાના લુણવા ગામે રસ્તા ઉપરના જમ્પ મોટા કેમ બનાવ્યા કહેવા ગયેલા યુવાનને માર મારવામાં આવતાં તેણે ત્રણ વિરુધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી, પરંતુ ખોટી ફરિયાદ કેમ નોંધી કહી ધારીયા, ધોકા અને પથ્થરો જેવા પ્રાણ ઘાતક હથિયારોથી સજ્જ 90 થી વધુ લોકોના ટોળાએ પોલીસ ઉપર હુમલો કરતાં પીઅેસઆઇ સહિત 6 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હોવાની ઘટનામાં પોલીસે 22 સામે નામજોગ સહિત 90 થી વધુ વિરુધ્ધ ફોજદારી નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભચાઉનાા લુણવા ગામે રહેતા પ્રવીણભાઇ ખેતાભાઇ કોલી શનિવારે બપોરે 3 વાગ્યે ગામના જ રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી અને રમેશ મનજી કોલીને રસ્તા ઉપર મોટા જમ્પ કેમ બનાવ્યા છે ? કહેતાં રાજેશ અને શાંતીએ ધક બુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પ્રવિણે ત્રણે વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ભચાઉ પીઆઇ એસ.ડી.સિસોદિયાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, શનિવારે ફરીયાદ નોંધાયા બાદ આરોપીઓએ ફરિયાદીના ઘરને સળગાવી દેવાની ધમકી આપતાં ફરિયાદીએ પોલીસનો સંપર્ક કરી હકીકત જણાવતાં એક ટીમ લુણવા પહોંચી હતી. પોલીસ પહોંચતા જ ધારિયા, ધોકા અને પથ્થરો સાથે ઉભેલા આરોપી તરફેના 90 લોકોનું ટોળું વિફર્યું હતું.
પીએસઆઇ ડી.જે.ઝાલાને નાગજી રામજી કોલી અને ધનજી જેસંગ કોલીએ પકડી રાખી રાજેશ સામત કોલીએ મારી નાખવાના ઇરાદે ધારદાર પથ્થર તેમના માથામાં ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. તો ટોળાએ પોલીસ કર્મીઓ વિશ્વરાજસિંહ, જયદિપસિંહ ડાભી, મયુરસિંહ , મહિલા પોલીસ કર્મી નીરમાબેન ડામોર અને મમતાબેન બારોડને પણ પથ્થર અને ધોકા વડે ઇજા પહોંચાડી સરકારી વાહનમાં ધોકા અને પથ્થરથી નુકશાન પહોંચાડ્યું હતું. હેડકોન્સ્ટેબલ મહિપાલસિંહ રામદેવસિંહ ચુડાસમાએ 22 સામે નામજોગ સહિત 90 થી વધુ લોકો સામે ફોજદારી નોંધાવી હતી. પોલીસે આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.
આ આરોપીઓ સામે નામજોગ ફોજદારી
રાજેશ સામત કોલી, શાંતિ ખેતા કોલી, રમેશ મનજી કોલી, મુકેશ સામત કોલી, હરજી કાનજી કોલી, રાજેશ જીવા કોલી, મોતી સામો કોલી, ભરત સામત કોલી, માવજી રામજી કોલી, ધનજી જેસંગ કોલી, નાગજી રામજી કોલી, ભાવેશ મોમાયા કોલી, બાબુ સામત કોલી, મેઘા જુમા કોલી, વાલા મેઘા કોલી, રમેશ ભોજા કોલી, પરમાબેન જીવા કોલી, લક્ષ્મણ ખેતા કોલી, માવજી રામજીની પત્ની , ધનજી જેસંગ કોલી, છગન મેરૂ કોલી, લાડુબેન મોતી કોલી તેમજ આશરે 60 થી 70 સ્ત્રી પુરૂષોના ટોળા સામે ગુનો નોંધાયો છે.
ચૂંટણીના માહોલમાં પોલીસ ઉપર હુમલાથી ચકચાર
ભચાઉ વિસ્તારમાં એક તરફ ચૂ઼ટણીનો માહોલ ચાલી રહ્યો છે એટલે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા બંદોબસ્તમાં વ્યસ્ત છે તેની વચ્ચે મારામારીની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ પોતાનું ઘર સળગાવવાની ધમકી આપી હથિયારો લઇ તેના ઘરે આવતા હોવાનું ફરિયાદીએ જણાવતાં પોલીસની એક ટીમ લુણવા પહોંચી અને ચુંટણીના માહોલ વચ્ચે જ પોલીસ અધિકારી અને કર્મચારીઓ ઉપર ઘાતક હુમલાથી ચકચાર મચી જવા પામી હતી.