ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગાંધીધામ કોર્પોરેશન દ્વારા અગાઉ રામબાગ રોડથી લઈને સુંદરપુરી સહિતના વિસ્તારમાં માર્કિંગ કરીને દબાણો દુર કરવા નોટીસ આપવામાં આવી હતી. કેટલાકે સ્વેચ્છાએ દબાણ દુર કર્યા હતા. બાકીના કોર્પોરેશન દ્વારા દુર કરવામાં આવ્યા હતા. હવે આગામી દિવસોમાં ભરચક ગણાતા ચાવલા ચોક વિસ્તારમાં દબાણ હટાવ ઓપરેશન શરૂ થાય તેવી સંભાવના છે.

ગાંધીધામના ચાવલા ચોકથી સરદાર પટેલ પ્રતિમા સુધીના ૫૪ દબાણકારોને નોટિસ પાઠવીને કોઇ ગટર, પાણીની લાઈન પર હોય, આર્કેડ, ફુટપાથ પર હોય તેવા દબાણોને ત્રણ દિવસમાં દુર કરવા જણાવાયું હતું, જે બાદ ગતરોજ સાંજે વેપારીઓની બેઠક મળી હતી, જેમાં આ અંગે વિચાર મંથન થયું હતું.

ચાવલા ચોક વેપારી એસોસીએશનના પ્રમુખ કાલુભાઈ ભાનુશાળીએ જણાવ્યું કે ત્રણસોથી વધુ વેપારીઓની દબાણો બાબતે મળેલી નોટિસ અંગે બેઠક મળી હતી, જેમાં અમે એક વિચારે સહમત થયા છીએ કે ફુટપાથ પર જે દબાણો છે તેને હટાવવા જાેઇએ. તેમજ આર્કેડના દબાણો અંગે વેપારીઓ મ્યુનીસીપલ કમિશનર સાથે રૂબરૂ મુલાકાત કરીને પોતાની લાગણી વ્યક્ત કરશે. તેમણે જણાવ્યું વેપારીઓ ૭૫ વર્ષથી અહી વેપાર કરી રહ્યા છે, ત્યારે હવે જુના મોટા દબાણો જેમના તેમ છે ત્યારે અહી અચાનક કોઇ બદલાવ વેપારને અસરકારક બની શકે છે.