ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામની સ્થાનિક કોર્ટે આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જેમાં ચેક બાઉન્સના કેસમાં આરોપી જગદીશચંદ્ર ધર્મેન્દ્રસિંહ ગોહીલને ૬ મહિનાની સાદી કેદ અને રૂ. ૫,૧૦,૦૦૦/- નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમ ફરિયાદીને એક મહિનાની અંદર ચૂકવી આપવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી પ્રવીણકુમાર ધનજીભાઈ ઠક્કર દ્વારા આરોપી જગદીશચંદ્ર ધર્મેન્દ્રસિંહ ગોહીલ વિરુદ્ધ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અને ૧૪૨ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપીએ મિત્રતાના દાવે તેમની પાસેથી હાથ-ઉછીના નાણાં લીધા હતા અને તેની ચુકવણી માટે પોતાના ખાતાનો એક ચેક સહી કરીને ફરિયાદીને આપ્યો હતો. જોકે, આ ચેક “અપર્યાપ્ત ભંડોળ” ને કારણે બેંક દ્વારા બાઉન્સ કરવામાં આવ્યો હતો.
ફરિયાદીના વકીલ ભાવિન જે. જોશી અને નવીન આર. રબારી મારફતે આરોપીને માગણી નોટિસ મોકલવામાં આવી હોવા છતાં, આરોપી દ્વારા ચેકની રકમ ચૂકવવામાં આવી ન હતી. આથી, ફરિયાદીએ કાનૂની કાર્યવાહીનો આશ્રય લીધો હતો.
નામદાર અધિક ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ સાહેબ, ગાંધીધામની કોર્ટમાં આ કેસની સુનાવણી ચાલી હતી. નામદાર અધિક ચીફ જ્યુડી. મેજિસ્ટ્રેટ શ્રી એ. સાહુ સાહેબે ફરિયાદીની ફરિયાદ, મૌખિક અને દસ્તાવેજી પુરાવાઓ તેમજ સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના પૂર્વ ચુકાદાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય આપ્યો.
કોર્ટે જણાવ્યું હતું કે જો આરોપી દંડની રકમ ચૂકવવામાં નિષ્ફળ જશે, તો તેને વધારાની એક મહિનાની સાદી કેદ ભોગવવી પડશે. આ ચુકાદો ગુનેગારોને સજા કરીને કાયદાનું પાલન કરાવે છે. આ કેસમાં ફરિયાદી વતી વકીલ ભાવિન જે. જોશી, નવીન આર. રબારી અને દિપક એમ. સોંદરવા હાજર રહ્યા હતા.
આ ચુકાદો નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા અને જવાબદારીના મહત્વ પર ભાર મૂકે છે અને ચેક બાઉન્સના કિસ્સાઓમાં કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરે છે.
અંજાર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો: ચેક બાઉન્સ કેસમાં આરોપીને સજા
ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર કોર્ટે ચેક બાઉન્સના કેસમાં ગાંધીધામના રાજેશ સત્યનારાયણ બોખાને દોષિત ઠેરવી, ₹૨,૫૨,૧૬૪/- નો દંડ અને ૧ વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. જો આરોપી દંડ ભરવામાં નિષ્ફળ જશે તો વધુ ૬ મહિનાની જેલ ભોગવવી પડશે.
આ કેસ શ્રી કચ્છ અંજાર કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિ. દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. આરોપી રાજેશ સત્યનારાયણ બોખાએ સોસાયટી પાસેથી લોન લીધી હતી અને કાયદેસરના લેણાં પેટે આપેલો ચેક બેંકમાં પરત ફર્યો હતો.
ફરિયાદીના વકીલ, અંજારના જાણીતા એડવોકેટ વિરલ નટવરભાઈ જોષી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને, અંજારના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટે આ ચુકાદો આપ્યો.