ગાંધીધામ ટુડે, ન્યુઝ : મુસાફરી દરમ્યાન સાડા ત્રણ વર્ષનું બાળક માતા-પિતાથી વિખુટું પડી ગયું હતું જે અંગે લાકડિયા પોલીસને જાણ થતાં પોલીસે દોડધામ આચરીને બાળકના માતા-પિતાની શોધ કરી બાળક સાથે મિલાપ કરાવ્યો હતો. ભચાઉ તાલુકાના ચોબારીમાં રહેનારા મૂળ છોટા ઉદેપુરના જગુભાઇ રાઠવાનો પરિવાર કામ અર્થે રવિવારે ભચાઉ આવ્યો હતો. આ પરિવાર બસ સ્ટેશનમાં હતો. દરમ્યાન રમતાં-રમતાં સાડા ત્રણ વર્ષનો ક્રિશ એક બસમાં બેસી ગયો હતો અને બસ ઉપડી હતી. માતા-પિતાને બાળક ન મળતાં તેમણે તેની શોધખોળ કરી હતી. પોતાનો વ્હાલસોયો ક્યાંય ન મળતાં માતા-પિતા આઘાતમાં આવી ગયા હતા. દરમ્યાન, બસમાં બેસી ગયેલા બાળકને પોતાના માતા-પિતા ન દેખાતાં તે ચોધાર આંસુએ રડવા લાગ્યો હતો. આ બસ લાકડિયા ગામમાં પહોંચી ત્યાર સુધીમાં બાળકે બસને માથે લીધી હતી. ચાલક અને કંડક્ટરે બાળકને લઇને લાકડિયા પોલીસ મથકે જઇ બાળક મળી આવ્યાની વાત કરી હતી. પોલીસે તમામ પ્રકારની દોડધામ આચરી હતી અંતે તેના પરિવારજનોને શોધી લેવાયા હતા. બાળક પાસે પહોંચીને માતા-પિતાના હર્ષના આંસુ છલકાયા હતા. પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું હતું. આ કામગીરીમાં તેમની સાથે હેડકોન્સ્ટેબલ રાજેશ રાઠોડ, કોન્સ્ટેબલ દિપક સોલંકી, ધનાભાઇ રબારી, મહિલા કોન્સ્ટેબલ સુનિતાબેન સોલંકી જાેડાયા હતા.


Add a comment