ગાંધીધામ : કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ આર્થિક સ્થિતિ કફોડી હોવાથી અને કરવેરાની વસૂલાત અત્યંત ઓછી હોવાથી, ગાંધીધામ શહેર કોંગ્રેસે મહાનગરપાલિકામાં “ખાસ કિસ્સામાં કરવેરા વસૂલાતમાં પ્રોત્સાહક વળતર યોજના” દાખલ કરવા માટે રજૂઆત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા અને મહામંત્રી લતીફ ખલીફા દ્વારા આ અંગે એક યાદી બહાર પાડવામાં આવી છે.
વર્તમાન પરિસ્થિતિ અંગે માહિતી આપતા શહેર કોંગ્રેસે જણાવ્યું છે કે, ગાંધીધામ મહાનગરપાલિકામાં કરવેરા વસૂલાતની ટકાવારી માત્ર ૩૦-૩૫% જેટલી નીચી છે, જેના કારણે કરોડો રૂપિયાના કરવેરા અટવાયેલા પડ્યા છે. આનું મુખ્ય કારણ વેરા પર લાગતું મોટું વ્યાજ છે. ૨૦૨૨માં રાજ્ય સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ પ્રોત્સાહક વળતર યોજના” હેઠળ નોટિસ ફી, વ્યાજ, પેનલ્ટી અને વોરંટ ફીની ૧૦૦% રકમ માફ કરવામાં આવી હતી. આ જ પેટર્ન પર ગાંધીધામ મહાનગરપાલિકામાં પણ આવી જ યોજના લાગુ કરવાની માંગણી કરવામાં આવી છે.
કોંગ્રેસની મુખ્ય માંગણી એ છે કે, હાલમાં નગરપાલિકાના જૂના વેરા બાકી છે અને નવી આકારણી બાદ મહાનગરપાલિકાના નિયમ મુજબ વેરા લાગુ પડશે. ત્યારે, જે જૂના વેરા બાકી છે અને તેના પર લાગેલું વ્યાજ કે અન્ય ફી ૧૦૦% માફ કરવામાં આવે તો મોટા પાયે વસૂલાત થઈ શકે છે. આનાથી મહાનગરપાલિકાને મોટા પ્રમાણમાં આવક પ્રાપ્ત થશે અને વિકાસના કામોને વેગ મળશે.
રજૂઆતમાં જણાવાયું છે કે, હાલમાં મિલકતધારકો પાછલી બાકી રકમ સમયસર ભરતા ન હોવાથી મોટા પ્રમાણમાં કરવેરા વસૂલાત બાકી રહે છે. આવી પ્રોત્સાહક યોજનાથી કરદાતાઓને અગાઉના વર્ષોની બાકી રકમ ભરવામાં સરળતા રહેશે અને મહાપાલિકાની આવકમાં પણ વધારો થશે.
ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ વિનંતી સહ માંગણી કરવામાં આવી છે કે, આવી યોજના અંતર્ગત કરદાતા તેમની મિલકત પેટે અગાઉના વર્ષોના તમામ પ્રકારના વેરાની બાકી રકમ એકસાથે ભરપાઈ કરે તો, વ્યાજ, નોટિસ ફી, પેનલ્ટી, વોરંટ ફી વગેરેની ૧૦૦% રકમ માફ કરવામાં આવે. આનાથી લોકો દ્વારા વેરાની રકમ ભરપાઈ કરવા પ્રોત્સાહિત થશે અને મહાનગરપાલિકાની આવકમાં નોંધપાત્ર વધારો થશે.
આ રજૂઆત સમયે ગાંધીધામ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા ઉપરાંત ચેતનભાઈ જોશી, નિલેશભાઈ ભાનુશાલી, બળવંતસિંહ ઝાલા, દશરથસિંહ ખંગારોત, બાબુભાઈ આહીર, લાલજીભાઈ સથવારા, રમેશભાઈ પ્રજાપતિ, નવીનભાઈ અબચુગ, જમાલભાઈ સાયચા, ધીરજભાઈ કોચરા, પ્રભાતભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.